ગુજરાતમાં સરકારી નોકરીના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી
ગુજરાતમાં સરકારી નોકરીના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં સરકારી નોકરીના નામે છેતરપિંડી કરી રૂ.1.43 કરોડ પડાવી લીધા છે. 27 જેટલા લોકો જોડે 1.43 કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ છે. નોકરી માટે દરેક પાસેથી રૂપિયા 1 થી 4 લાખ પડાવ્યા છે.
દિલ્હીના IAS અધિકારીના નામે કામ કરવાની લાલચ આપી હતી. રાજ્યમાં લોકોને સરકારી નોકરીના નામે વિવિધ જગ્યા પર છેતરપીંડિની ઘટના સામે આવી રહી છે. જેમાં હવે ગાંધીનગરમાં નવા સચિવાલય ખાતે ઝેરોક્ષ મશીન ઓપરેટર તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરનારા ભેજાબાજે સરકારી નોકરીની લાલચ આપીને 27 નોકરીવાંચ્છુઓ સાથે રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી છે.
2018માં શૈલેષભાઈ ભીખાભાઈ ઠાકોરે નવા સચિવાલયના બ્લોક નં-14માં પાંચમા માળે અન્ન નાગરિક પુરવઠા વિભાગમાં ઝેરોક્સ મશીન ચલાવવાનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. શૈલેષે અમિતભાઈને ફોન કરીને મળવા બોલાવ્યા હતા અને જીએસપીસીમાં ક્લાર્કની ચાર જગ્યા ખાલી હોવાની માહિતી આપી હતી.સચિવાલયના એક સાહેબ પૈસા લઈ કાયમી નોકરી અપાવશે તેવો વિશ્વાસ શૈલેષે આપ્યો હતો. આ પછી શૈલેષે દાવો કર્યો હતો કે, દર વર્ષે બે-ત્રણ માણસોને પાંચ લાખમાં સરકારી નોકરી અપાવે છે. તાજેતરમાં અમદાવાદમાં જીએસપીસી ખાતે વર્ગ-3માં ક્લાર્કની ચારેક જગ્યા ખાલી છે. આ નોકરી જોઈતી હોય તો પાંચ લાખમાં ગોઠવી આપવાનું નક્કી થયું હતું. આ પૈકીના રૂ.દોઢ લાખ પહેલા અને બાકીના નોકરીનો ઓર્ડર આવ્યા પછી આપવાના હતા.આ સિવાય અન્ય સારી જગ્યા પર નોકરી જોઈતી હોય તો રૂ.6 લાખના ખર્ચની વાત કરી શૈલેષે વિશ્વાસ સંપાદન કર્યો હતો. દીપકભાઈએ રૂ.દોઢ લાખ આપ્યા હતા અને છ માસમાં નોકરીનો ઓર્ડર મળવાની ખાતરી આપી હતી. શૈલેષે અન્ય માણસોને પણ નોકરી અપાવવાની વાત કરી હતી. જેમાં વર્ગ-3માં નોકરી માટે રૂ.પાંચ લાખ, ડ્રાઈવરની નોકરી માટે રૂ.4 લાખ, પટાવાળાની નોકરી માટે વ્યક્તિ દીઠ રૂ.બે લાખનો ભાવ તેણે જણાવ્યો હતો. જીએસપીસીમાં ફરજ બજાવતા દીપક પાટડિયા અને દિલ્હી ખાતે ફરજ બજાવતા આઈએએસ રૂપેશ મિશ્રા નોકરી અપાવવાનું કામ કરી આપશે તેવો વિશ્વાસ શૈલેષે અપાવ્યો હતો. આ બંને અધિકારીઓની વાત તે વારંવાર કરતો હતો. પરંતુ મુલાકાત કરાવી ન હતી. શૈલેષની વાતોમાં આવી જઈ અમિતભાઈએ 27 પરિચિતો પાસેથી રોકડા, ચેક અને યુપીઆઈ મારફતે રૂ.1.43 કરોડ અપાવ્યા હતા. શૈલેષે એક પણ વ્યક્તિને નોકરી નહીં અપાવતા અમિતભાઈ જીએસપીસીની ઓફિસમાં દીપક પાટડિયાને મળવા ગયા હતા, પરંતુ આવી કોઈ વ્યક્તિ મળી ન હતી. શૈલેષે આ મામલે ગોળ-ગોળ જવાબો આપીને ફરી થોડો સમય માગ્યો હતો. દોઢ વર્ષ સુધી કોઈ વ્યક્તિને નોકરી મળી ન હતી. આખરે આ મામલે અમિતભાઈએ સેકટર-7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.