KBCમાંથી બોલું છું, તમને 25 લાખની લોટરી લાગી છે, કહીને 1.26 લાખની ઠગાઇ
અમદાવાદ શહેરમાં ઓનલાઇન ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાણંદનાં એક યુવાનને ફોન આવ્યો અને કહ્યું કે, કેબીસીમાંથી બોલું છું, તમને 25 લાખની લોટરી લાગી છે. તેવું જણાવીને યુવાન પાસેથી 1.26 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે, સાણંદનાં વસોદરા ગામમાં રહેતા મહેશભાઇ પટેલને અજાણી વ્યક્તિએ ફોન કરીને લાલચ આપી હતી. તેને જણાવ્યું હતું કે, કેબીસીમાંથી તમને 25 લાખ રૂપિયાની લોટરી લાગી છે. જે બાદ ગઠિયાએ મહેશભાઇએ વિશ્વાસમાં લઇને ચાર અલગ અલગ એકાઉન્ટ નંબર આપ્યાં હતાં. બાદમાં મહેશભાઇનાં એકાઉન્ટમાંથી કુલ 1,26, 150 ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરાવી હતી. છેતરાયાની શંકા જતા તેમણે બેંકમાં જઇને પોતાનું એકાઉન્ટ ફ્રીઝ કરાવીને સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ સાથે અન્ય એક છેતરપિંડીનો પણ બનાવ સામે આવ્યો છે. જેમાં ઢાલગરવાડમાં રહેતા વેપારી સહલ મન્સૂરીને ધંધાનાં કામથી રાજસ્થાન જવાનું હતું. તેમણે ગુજરાત સમાજમાં રૂમ બુક કરાવવા માટે ગૂગલ પરથી મોબાઇલ નંબર શોધ્યો હતો. આ નંબર પર ફોન કરીને તેને લીંક મેળવી હતી. જેમા જણાવ્યાં પ્રમાણે તેનું નામ, નાણાં, પીન નંબરની માહિતી મોકલી હતી. જેમાંથી 5300 કપાયા હતા અને રૂમ પણ બૂક થઇ ન હતી. જે અંગે પણ કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.