ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2021 (10:29 IST)

અમદાવાદમાં પૈસાદાર લોકોને ફેસબુક મારફતે હનીટ્રેપમાં ફસાવવાનું રેકેટ, સમાધાન પેટે અઢી લાખ પડાવ્યા

અમદાવાદ શહેરમાં પૈસાદાર અને પ્રતિષ્ઠિત વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવવાના કિસ્સાઓ બની રહ્યાં છે. યુવતી સોશિયલ મીડિયા મારફતે પૈસાદાર વ્યક્તિઓને ખોટી રીતે જાળમાં ફસાવે અને બાદમાં શાહીબાગમાં આવેલ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં અરજી કરે છે. એક વ્યક્તિ પોલીસ અધિકારી કે નિવૃત્ત પોલીસ અધિકારી બનીને સમાધાનની વાત કરે છે અને પૈસા પડાવી લે છે.  અમદાવાદના રબારી કોલોની વિસ્તારમાં રહેતા વેપારીને ટોળકીએ ભોગ બનાવી રૂ. 2.5 લાખ પડાવી લીધા હતા. જે મામલે વેપારીએ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, સેક્ટર 2 JCP અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે. વેપારીએ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશન બહાર જ આ સમગ્ર રેકેટ ઝડપી લીધું હતું. લોકોને ફસાવનાર ટોળકી ફરાર થઈ ગઈ હતી. મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને અધિકારીઓ પણ આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા હોવાની વાત પણ સામે આવી છે. 
જીતેન્દ્ર મોદી નામનો વ્યક્તિ ક્રાઈમ બ્રાન્ચના નામે ઓળખ આપી સમાધાનની વાત કરે છે
ભોગ બનનાર વેપારીએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મને આ ટોળકીએ જાળમાં ફસાવી અને મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરે છે. બીજા જ દિવસે મહિલા પોલીસ સ્ટેશનમાંથી અરજી માટે બોલાવે છે. જીતેન્દ્ર મોદી નામનો વ્યક્તિ પોતે IB , ACB કે ક્રાઈમ બ્રાન્ચના નામે ઓળખ આપી સમાધાનની વાત કરે છે. મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં સીધો PIની ચેમ્બરમાં પણ ઘુસી જાય છે. મહિલા પોલીસની પણ આમાં સંડોવણી હોવાની પૂરી શકયતા છે. ટોળકીને પોલીસ સ્ટેશન બહારથી જ પકડી હતી પરંતુ તેઓ વાહન મૂકી અને ફરાર થઈ ગયા હતા તેમના ફોન પણ બંધ છે.
ફેસબુક પર રાધિકા મોદી નામની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી
રબારી કોલોની વિસ્તારમાં રહેતા અને વટવા GIDC વિસ્તારમાં વેપાર કરતા જયેશ પટેલને સપ્ટેમ્બર 2020માં રાધિકા મોદી નામની યુવતીની ફ્રેન્ડ રીકવેસ્ટ આવતા તેમણે એક્સેપ્ટ કરીને વાતો શરૂ કરી હતી. ફોન નંબરની આપ લે બાદ ફોનમાં વાત થતી હતી. યુવતીએ પોતે બરોડા રહે છે અને મારી બહેન અમદાવાદ રહે છે તો આવીશ એટલે મળીશ એમ કહ્યું હતું. 21 સપ્ટેમ્બરના રોજ યુવતીએ ફોન કરી વટવા બ્રિજ નીચે આવવા કહ્યું હતું બાદમાં જીજાજી જોઈ જશે તેથી આગળ અસલાલી પાસે મુરલીધર ગેસ્ટહાઉસમાં મારા મિત્રના સંબંધીનું છે ત્યાં જવાનું કહી જયેશનું ઓળખકાર્ડ લઈ ઉપર ગઈ હતી.
ગુનો ન કરવા છતાં ઈજ્જત ન જાય તે માટે છેવટે અઢી લાખ આપ્યા
થોડીવાર બાદ તે નીચે આવી કહ્યું હતું કે મારા પાસે ઓળખકાર્ડ નથી માટે નહિ બેસવા દે. થોડીવાર વાતચીત કરી છુટા પડ્યા હતા. બીજા દિવસે શાહીબાગ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો કે રાધિકા મોદી નામની મહિલાએ તમારા સામે રેપની ફરિયાદ કરી છે. જેથી ગભરાઈ જતા તેના બીજા દિવસે તેઓ પોલીસ સ્ટેશન ગયા હતા. જ્યાં રાધિકા અને જીતેન્દ્ર મોદી નામનો વ્યક્તિ હાજર હતો. મને બહાર બોલાવી જીતેન્દ્રએ કહ્યું હતું કે હું ક્રાઈમ બ્રાન્ચમાં હતો અને નિવૃત્ત છું. સેવાનું કામ કરૂં છું. તમારે સમાધાન કરવુ હોય તો હાલ રૂ. પાંચ લાખ આપો નહિ તો બળાત્કાર અને પોકસોની ફરિયાદ નોંધાવશે. ગુનો ન કરવા છતાં ઈજ્જત ન જાય તે માટે છેવટે અઢી લાખ આપ્યા હતા.
મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી સમાધાનના નામે રૂપિયા પડાવવાનો ધંધો
બાદમાં આ ટોળકી આવી રીતે લોકોને સોશિયલ મીડીયા મારફતે જાળમાં ફસાવી અને તેમની સામે મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં અરજી કરી નિર્દોષ વ્યક્તિને બોલાવી સમાધાનના નામે પૈસા પડાવે છે જેથી અમે વોચ ગોઠવી પકડ્યા હતા પરંતુ ટોળકી નાસી જવામાં સફળ રહી હતી. મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો આખી ટોળકી અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થઈ શકે છે.