ખેડાના ઉંઢેલા ગામે મુસ્લિમ યુવકોને જાહેરમાં માર મારવા મામલે ચાર પોલીસકર્મીઓને જેલની સજા
ખેડાના ઉંઢેલા ગામે ગત નવરાત્રિ દરમિયાન પથ્થરમારાના આરોપીઓને જાહેરમાં માર મારવાનો વિવાદમાં ત્રણ મુસ્લિમ યુવકોને માર મારવા બદલ ગુજરાત હાઈકોર્ટે આજે ચાર પોલીસકર્મીઓને જેલની સજા ફટકારી છે. ગુજરાત હાઇકોર્ટે આરોપી પોલીસકર્મીઓને 14 દિવસની જેલની સજા ફટકારી છે અને તમામને 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
જોકે આ કેસમાં આરોપીઓના વકીલે આદેશ સામે અપીલ દાખલ કરીને ત્રણ મહિના માટે હુકમ પર સ્ટે મેળવ્યો છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ એએસ સુપહિયા અને જસ્ટિસ ગીતા ગોપીની બેન્ચે કહ્યું કે કોર્ટ જ્યારે એવા આદેશો આપી રહી છે જેમાં પોલીસકર્મીઓને સાદી કેદની સજા ભોગવવાનું કહેવામાં આવે છે ત્યારે તે ખુશ નથી. આ કેસમાં કોર્ટે દરેક પોલીસકર્મી પર 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે, જો તેઓ ચૂકવવામાં અસમર્થ હોય તો તેમને વધુ 3 દિવસ જેલમાં રહેવું પડશે. તમને જણાવી દઈએ કે ગત સુનાવણીમાં આરોપી પોલીસકર્મીઓએ કોર્ટમાં કોઈ સજા ન આપવાની માંગ કરી હતી પરંતુ પીડિતો માટે વળતરની માંગણી કરી હતી, પરંતુ પીડિતોએ તેને ફગાવી દીધી હતી.ગત સુનાવણીમાં જસ્ટિસ એ.એસ.સુપહિયા અને જસ્ટિસ ગીતા ગોપીની બેંચ સમક્ષ પોલીસકર્મીઓના વકીલ પ્રકાશ જાનીએ દલીલ કરી હતી કે આ તમામે 10-15 વર્ષ સેવા આપી છે અને હવે જો તેઓ દોષિત સાબિત થાય અને સજા થાય તો તેમના કામના રેકોર્ડ પર પ્રતિકૂળ અસર થશે. વકીલ પ્રકાશ જાનીની દલીલને ધ્યાને લઈ કોર્ટે સુનાવણી મુલતવી રાખી હતી અને આ બાબતે ફરિયાદી મુસ્લિમ શખ્સ પાસેથી જવાબ માંગ્યો હતો