મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગરઃ , શુક્રવાર, 25 ઑગસ્ટ 2023 (15:52 IST)

ગાંધીનગરના પંચદેવ મંદિરમાં ચાર લોકોને કરંટ લાગતાં એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત

panchdev temple
panchdev temple
પંચદેવ મંદિરમાં લઘુ રુદ્રી મહા યજ્ઞનું આયોજન કરાયુ હતું તેની તૈયારી સમયે જ દુર્ઘટના ઘટી
 
શહેરના સેકટર 22 નાં સુપ્રસિદ્ધ પંચદેવ મંદિર ખાતે આજે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરાયું હોવાથી ગઈકાલે સાંજે મંદિર ખાતે મંડપ ઊભો કરતા લોખંડનો તાર બાંધતી વખતે લોખંડનાં પોલના લાઈટના ખુલ્લા વાયરના કારણે ચાર લોકોને કરંટ લાગ્યો હતો. જેમાં ગુજરાત બ્રહ્મ સમાજ રાજય કક્ષા ગાંધીનગર શહેર જિલ્લાનાં યુવા ઉપપ્રમુખ તીર્થેશ ઉપાધ્યાયનું અકાળે અવસાન થયું હતું. 
 
સમાજ દ્વારા મોટો મંડપ પણ બાંધવામાં આવ્યો 
પ્રાપ્ત વિગતો અનુસાર આજે શુક્રવારના રોજ બ્રહ્મ સમાજ દ્વારા પંચદેવ મંદિર ખાતે લઘુ રુદ્રી મહા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે પૂર્વ તૈયારીના ભાગરૂપે તીર્થેશભાઈ પંચદેવ મંદિર ખાતે ગયા હતા. જ્યાં સમાજ દ્વારા મોટો મંડપ પણ બાંધવામાં આવ્યો હતો. એ દરમિયાન તીર્થેશભાઈ સહિતના લોકો ભગવાન શિવની પ્રતિષ્ઠા અર્થે લોખંડનો તાર એક છેડેથી બીજા છેડે બાંધી રહ્યા હતા ત્યારે તાર તીર્થેશભાઈનાં હાથમાં હતો. જેમની સાથે મંડપનો ઈલેક્ટ્રિશીયન તેમજ મૂકેશભાઈ ભટ્ટ અને તેમના પત્ની પણ હતા.
 
ત્રણ જણાને કરંટ લાગ્યો હતો
ત્યારે લોખંડનાં પોલમાં છુટ્ટા વીજ વાયરને તાર અડકી જતાં મૂકેશભાઈ ભટ્ટ અને તેમના પત્ની તેમજ ઈલેક્ટ્રિશીયનને કરંટ લાગ્યો હતો. આથી તીર્થેશભાઈ બધાનો જીવ બચાવવા માટે હાથમાં રહેલ તારનું ગૂંચળું દૂર ફેંકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એજ વખતે તેઓને પણ વીજળીનો જોરદાર કરંટ લાગ્યો હતો. અને તેઓ જમીન પર ફસડાઈ પડ્યા હતા. વીજ કરંટ લાગતાં જ ત્રણ જણા દૂર ફેંકાઈ ગયા હતા. જેના કારણે પંચદેવ મંદિર ખાતે અફરાતફરી મચી ગઈ હતી.તીર્થેશભાઈને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસીને તીર્થેશભાઈને મૃત જાહેર કર્યા હતા.