કોરોના-ઓમિક્રોનના ભયે વિદેશી પ્રવાસીઓ આવ્યા નહીં, પરંતુ લોકલ પ્રવાસીઓના ધસારાથી બુકિંગ ફુલ
નાતાલ દરમિયાન અને ત્યારબાદ મોટી સંખ્યામાં દેશ વિદેશના ટૂરિસ્ટ કચ્છ રણોત્સવની મુલાકાત લે છે. જો કે, આ વર્ષે કોરોના મહામારીને પગલે હજુ સુધી ઈન્ટરનેશનલ ફ્લાઈટોનું સંચાલન બંધ છે. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને પગલે વિશ્વભરમાં અજંપાની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રણોત્સવમાં આવતા વિદેશીઓએ આ વખતે બુકિંગ કરાવ્યું નથી. જો કે ડોમેસ્ટિક પ્રવાસીઓના કારણે રણોત્સવ હાઉસફુલ થઈ ગયો છે.
દર વર્ષે કચ્છ રણોત્સવમાં 30થી 35 ટકા વિદેશી ટૂરિસ્ટો આવતા હોય છે. એજ રીતે હાલમાં ગુજરાત-રાજસ્થાનના ટૂરિસ્ટ સ્થળો સહિત અન્ય સ્થળો માટે ડોમેસ્ટિક પર્યટકોએ બુકિંગ કરાવ્યું છે,. એ જ રીતે ગોવા સરકારે તમામ ટૂરિસ્ટો માટે આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરતા નવા વર્ષની ઉજવણી માટે ગોવા જનારાની સંખ્યા ખૂબ ઓછી હોવાનું ટૂર ઓપરેટરો જણાવે છે.નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ગોવા, રાજસ્થાન એને રાજ્યના અન્ય સ્થળોએ ફરવા નીકળે છે. દિવાળી દરમિયાન કોરોનાનો ભય ઓછો થતા મોટી સંખ્યામાં પર્યટકો બહાર નીકળતા ટૂરિઝમ સેક્ટરમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ નવેમ્બરના અંતમાં દક્ષિણ અફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના પગલે વિશ્વભરની સરકારોએ સાવચેતીના ભાગરૂપે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.
વિદેશથી આવતા ટૂરિસ્ટોની સંખ્યા નહિવત્ થઈ ગઈ છે. કચ્છમાં દર વર્ષે યોજાતા રણોત્સવમાં પણ કોરોનાની અસર જોવા મળતાં વિદેશી પર્યટકોની સંખ્યા નહિવત્ છે. અનેક લોકોએ મહિના પહેલાથી જ રણોત્સવ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી, દ્વારકા-સોમનાથ, દીવ, સાણસ-ગીર ઉપરાંત રાજસ્થાનમાં માઉન્ટ આબુ, ઉદયપુર, કુંભલગઢ, જેસલમેર, જયપુર, જોધપુર માટે બુકિંગ કરાવ્યું છે. ગુજરાતમાં હાલ લગ્નની સિઝન ચાલે છે. એ દરમિયાન મોટી સંખ્યામાં કપલ હનીમૂન ટૂર માટે વિદેશ જતા હતા. જો કે, કોરોનાના નવા વેરિયન્ટને પગલે હજુ સુધી મોટાભાગના આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળો શરૂ થયા નથી. જેથી હનીમૂન માટે ડોમેસ્ટિક સ્થળે હનીમૂન માટે બુકિંગ કરાવી રહ્યા છે. જેમાં મોટાભાગે લોકો કાશ્મીર, હિમાચલ, શિમલા, સિક્કિમ, દાર્જીલિંગ જેવા સ્થળોનું બુકિંગ કરાવી રહ્યાં છે. ટૂર ઓપરેટર આલાપ મોદીએ જણાવ્યું કે, હાલ ઈન્ટરનેશનલ સ્થળોમાં ફક્ત માલદિવ અને દુબઈ ચાલુ છે.