અમદાવાદમાં સમ્રાટ નમકીનનાં કારખાનામાંથી 348 પેટી વિદેશી દારૂ પકડાયો
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે નરોડા જીઆઈડીસીમાં આવેલા સમ્રાટ નમકીનના કારખાનાની રૂમોમાંથી 348 પેટી વિદેશી બનાવટનો દારૂનો જથ્થો કિંમત રૂ.12.52 લાખનો પકડી પાડ્યો હતો. જોકે આ દારૂનો જથ્થો સંગ્રહ કરનારા બે મુખ્ય આરોપી સહિત કુલ ચાર આરોપી પોલીસે દરોડો પાડ્યો તે પહેલા નાસી છૂટ્યા હતા. ક્રાઈમ બ્રાંચના પીઆઈ ડી.બી. બારડ, પીએસઆઈ એસ.બી. દેસાઈ અને તેમની ટીમે બાતમીના આધારે નરોડા જીઆઈડીસી ફેઝ-2 મોડર્ન બેકરી રોડ પર આવેલા સમ્રાટ નમકીન પ્રા.લિ.નામના કારખાનામાં દરોડો પાડ્યો હતો, જેમાં કારખાનાની અલગ અલગ રૂમોમાંથી તેમજ બહાર પડેલી લોડિંગ રિક્ષા અને ખુલ્લી જગ્યામાંથી કુલ 348 પેટી વિદેશી બનાવટનો દારૂ ( કિંમત 12.52 લાખ)નો પકડી પાડ્યો હતો. પોલીસ ટીમે સ્થળ પર રેડ કરી ત્યારે વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરનાર મુખ્ય આરોપી જય સિંધી, ભેરૂ સિંધી અને તેના બે સાગરીતો પોલીસના વાહનો જોઈ કારખાના પાસે આવેલી ગલીઓમાં નાસી ગયા હતા. આ અંગે પોલીસે ચાર લોકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જય સિંધી અને ભેરૂ સિંધી બંને ભાઈઓ છે, જે અગાઉ અમદાવાદ અને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં દારૂની હેરાફેરી કરવાના કેસોમાં પકડાયા છે. આરોપીઓ 20થી વધુ વખત પાસા હેઠળ જેલ પણ ભોગવી ચૂક્યા છે. આ બંને સિંધીભાઈઓ છેલ્લા એક મહિનાથી કારખાનામાં દારૂનો જથ્થો રાખી લોડિંગ રિક્ષા મારફતે અન્ય બુટલેગરોને સપ્લાય કરતા હતા. દારૂનો જથ્થો સમ્રાટ નમકીનના કારખાનામાંથી મળી આવવા બાબતે એસીપી ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સમ્રાટ નમકીનના માલિકોની આ કેસમાં ભૂમિકા છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે અને જરૂર લાગશે તો તેમની પણ પૂછપરછ કરી તપાસ હાથ ધરાશે.