સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 મે 2020 (16:21 IST)

પરપ્રાંતિયોને સ્ક્રિનિંગ માટે લઇને જતી સિટી બસમાં આગ ફાટી નીકળી

પરપ્રાંતિયોને લઇ સ્ક્રિનિંગ કરાવવા માટે જતી વિનાયક સિટી બસમાં આજે બપોરે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઇ હતી. બસના ડ્રાઇવર સહિત 40 જેટલા પરપ્રાંતિયોએ બસની બારીમાંથી કૂદીને જીવ બચાવ્યો હતો. પરંતુ, મોટાભાગના પરપ્રાંતિયો આગથી પોતાનો સામાન બચાવી શક્યા ન હતા. જોકે પરપ્રાંતિયો તેમજ સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડની કામગીરીને તાળીઓ વગાડી વધાવી લીધી હતી. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં લોકડાઉનના કારણે રોકી દેવામાં આવેલા પરપ્રાંતિયોને વતન મોકલવાની કામગીરી ચાલી રહી છે. 40 જેટલા પરપ્રાંતિયોને તેઓના વતન મોકલવા માટેની કામગીરી માટે કોર્પોરેશનની સમા તળાવ પાસે આવેલી ઉત્તર ઝોનની કચેરી ખાતે એકત્ર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ પરપ્રાંતિયોને ખોડીયારનગર પાસે સ્કૂલમાં સ્ક્રિનિંગ માટે લઇ જઇ રહેલી વિનાયક સિટી બસમાં આગ ફાટી નીકળી હતી. ખોડીયારનગર વુડાના મકાનો પાસે પરપ્રાંતિયો સવાર બસમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. આગ મોટુ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં બસ ડ્રાઇવર અને પરપ્રાંતિયો બારીઓમાંથી કૂદી પડ્યા હતા. અને જીવ બચાવ્યો હતો. જોકે મોટાભાગના પરપ્રાંતિયો પોતાનો સામાન આગથી બચાવી શક્યા ન હતા. જેના કારણે તેઓનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો.  બસના કેબિનમાં લાગેલી આગે પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના ગોટેગોટા નીકળતા લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. બસ સી.એન.જી. સંચાલિત હોવાથી લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. જોકે, બસમાં લાગેલી આગ ભીષણ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ફાયર બ્રિગેડના લાશ્કરો જાણ થતાંજ દોડી આવ્યા હતા. અને પાણી મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.