સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 એપ્રિલ 2021 (15:03 IST)

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ મોકુફ રખાઈ, ઘોરણ 1થી 9ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું

સમગ્ર રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવતા રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લીધો છે. સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી 12 ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ આગામી 10મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશના થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. તેમજ ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી 10મી મેથી 25મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે.

ધો.-1 થી 9 અને ધો.-11માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે, તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે. વાલીઓનું કહેવું છે કે ધોરણ 1થી 9માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું જોઈએ. હાલ કેસ વધી રહ્યા છે, જેથી નાનાં બાળકો સ્કૂલે જઈને પરીક્ષા આપી શકે એમ નથી અને ઓનલાઇન પરીક્ષામાં ચોરી થવાની શક્યતાઓ છે, જેથી કોઈ વિદ્યાર્થી સાથે અન્યાય ના થાય એ માટે ધોરણ 1થી 9માં માસ પ્રમોશન આપવું જોઈએ અને ધોરણ 10 અને 12ની પરીક્ષા ફરજિયાત લેવી જોઈએ, જેના પર વિદ્યાર્થીઓનું ભવિષ્ય ટકેલું હોય છે, પરંતુ પરીક્ષા મે મહિનાની જગ્યાએ જૂનમાં યોજવી જોઈએ.