પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષની પત્નીએ લગાવ્યો ઘરેલૂ હિંસા અને જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા સોલંકીએ મંગળવારે તેના પતિ પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળવાનો આરોપ લગાવ્યો હતો અને તે ઘરેલુ હિંસાનો પણ શિકાર રહી છે. રેશ્મા સોલંકીના જણાવ્યા મુજબ, "હું મારી સલામતી માટે થોડા સમય માટે યુએસએ ભાગી ગઈ હતી કારણ કે મને ધમકીઓ મળી રહી હતી, જ્યારે હું પરત આવી ત્યારે મેં બે-ત્રણ વાર ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો પરંતુ મને બહાર નિકાળી દેવામાં આવી.
રેશ્મા સોલંકીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, તે મને ધમકી આપી રહ્યો છે કે જો હું ઘરે આવવાનો પ્રયત્ન કરીશ તો મને મારી નાખશે. તેણે વધુમાં કહ્યું કે, મને મારા પતિ તરફથી એક નોટિસ મળી છે, જેનાથી મારી અને મારા પરિવારની છબી ખરાબ થઈ છે. તેઓ અમારા વિશે અફવાઓ ફેલાવી રહ્યા છે જેના કારણે મારા માતા-પિતા અને ભાઈ-બહેન સામાજિક રીતે પીડાઈ રહ્યા છે.
કોંગ્રેસ નેતાની પત્નીએ કહ્યું, "કોઈ અન્ય વિકલ્પ ન હોવાથી મારે કોર્ટમાં જવું પડ્યું અને મને સુરક્ષા આપવાનું કહેવામાં આવ્યું." રેશ્મા સોલંકીએ તેના પતિને છૂટાછેડા આપવાનો ઇનકાર કરતા કહ્યું, હું ભારતીય છું અને મારા પતિના મૃત્યુ પછી જ છોડીશ.