ગુજરાતની ધરતી ઘૃજી, સૌરાષ્ટ્ર-કચ્છ, દ. ગુજરાતમાં ભૂકંપના આંચકા
સૌરાષ્ટ્ર-કચ્છની ધરા છેલ્લા બે દિવસમાં વધુ ત્રણ વખત ધ્રુજી ઉઠી હતી. ગોંડલ નજીક કેન્દ્રબિંદુ ધરાવતા ભૂકંપની તીવ્રતા રિક્ટરસ્કેલ પર 3 મેગ્નિટ્યૂડ નોંધાઇ હતી. ઉપરાંત, વલસાડ આસપાસ ૨.૧ તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભરચોમાસે વરસાદને બદલે ભૂકંપના વધી રહેલા કંપનથી આશ્ચર્ય ફેલાયું છે. ગોંડલ શહેર અને તાલુકામાં બપોરના ૧૨-3૭ મિનિટે ભૂકંપનો હળવો આંચકો આવતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વહીવટીતંત્રએ જણાવ્યું હતું કે, ટેલિફોન પર ભૂકંપના આંચકાની માહિતી મળી છે, અમે અનુભવ્યો નથી. જોકે, ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગોંડલ શહેરથી ૮ કિમી દૂર હોવાનું અને ત્રણની તીવ્રતાનો આંચકો હોવાનું ગાંધીનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસમાં નોંધાયું છે. ગોંડલના ઉમવાડા ગામના સરપંચ દશરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બપોરે કેટલાક ગ્રામજનોએ હળવો ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. દરમિયાન, દક્ષિણ ગુજરાતમાં બપોરે ૧-૦૨ મિનિટે વલસાડથી ૯ કિ.મી. દૂર કેન્દ્રબિંદુ ધરાવતો ૨.૧ મેગ્નિટ્યૂડનો આંચકો પણ નોંધાયો હતો. રવિવાર સવારે ૧૦ થી સોમવારે બપોરે ૧ સુધીના ૨૭ કલાક દરમિયાન આ સહિત ગુજરાતમાં ૧૧ હળવા-માધ્યમ આંચકા આવ્યા છે, જે પૈકી ૪નું કેન્દ્રબિંદુ કચ્છના ભચાઉ-દુધઈ-રાપર નજીક, 3નું એપીસેન્ટર બોટાદથી થોડે દૂર, બેનું સુરેન્દ્રનગર આસપાસ, ૧નું ગોંડલ નજીક તો છેલ્લા આંચકાનું કેન્દ્રબિંદુ વલસાડ નજીક હતું.