ધોલેરા એરપોર્ટનો ૫૧% હિસ્સો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ખરીદશે
અમદાવાદથી ૮૦ કિલોમીટરના અંતરે નિર્માણ થનારા ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટનો ૫૧% હિસ્સો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ખરીદશે. ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટની ડિસેમ્બરમાં મળનારી બોર્ડ મીટિંગમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને સત્તાવાર રીતે બોર્ડમાં સામેલ કરવાની ઔપચારિક્તા પૂરી કરવામાં આવશે.
બોર્ડ મીટિંગમાં ઔપચારિક્તા પૂરી થયા બાદ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો ૫૧%, ગુજરાત સરકારનો ૩૩%, કેન્દ્ર સરકારનો દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ૧૬% હિસ્સો રહેશે. હાલના અનુમાન અનુસાર ધોલેરા એરપોર્ટના નિર્માણનો પ્રથમ તબક્કો વર્ષ ૨૦૨૦ના પ્રથમ તબક્કામાં શરૃ થશે અને તેના માટે રૃ. ૨૦૦ કરોડનો ખર્ચ થઇ શકે છે. ૧૪૨૬ હેક્ટરમાં તૈયાર થનારા ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટમાં એ૩૮૦ જેવા વિશાળ પ્લેન પણ આવાગમન કરી શકશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
એરપોર્ટમાં રન-વે ૩ હજાર મીટરનો હશે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૯ સુધીમાં વર્ષે ૧.૧૦ કરોડથી ૫.૫૦ કરોડ મુસાફરોની ક્ષમતા માટે સક્ષમ હશે. ધોલેરા એરપોર્ટમાં એરક્રાફ્ટ મેઇન્ટેનન્સ રીપેર એન્ડ ઓવરહોલની સુવિધા પણ રાખવાની વિચારણા છે.અમદાવાદથી ખૂબ જ નજીકના સમયમાં ૬ નવી ફ્લાઇટ શરૃ કરવામાં આવશે. જે નવી ફ્લાઇટ શરૃ કરવામાં આવશે તેમાં અમદાવાદથી શ્રીનગર વાયા જમ્મુ અને શ્રીનગર-અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઇટનો પણ સમાવેશ થાય છે. અત્યારસુધી અમદાવાદથી શ્રીનગર કે જમ્મુ જવા માટે કોઇ ડાયરેક્ટ ફ્લાઇટ નહોતી.
અમદાવાદ-શ્રીનગરનું એરફેર રૃ. ૪૩૦૯થી શરૃ થશે. આ ઉપરાંત બિઝનેસ ટ્રાવેલર્સને ધ્યાનમાં રાખીને ૨૦ ડિસેમ્બરથી અમદાવાદ-ચેન્નાઇની વધુ એક ફ્લાઇટ પણ શરૃ કરવામાં આવશે. કોઇ બિઝનેસ ટ્રાવેલર સવારે ચેન્નાઇ જઇને સાંજે અમદાવાદ પરત આવવા માગતું હોય તેને આ ફ્લાઇટથી ફાયદો થશે. અમદાવાદ-ગુવાહાટી માટે પણ નવી ફ્લાઇટ શરૃ કરાશે. આ તમામ નવી ૬ ફ્લાઇટ રવિવાર સિવાય દરરોજ ઓપરેટ કરશે.