દિલ્હીના શિક્ષણમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું, ગુજરાતમાં કોંગ્રેસ જ ભાજપની સરકાર બનાવે છે
ગુજરાત વિધાનસભણી ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. અનેક દિગજ્જ નેતાઓ ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા છે. આ દરમિયાન દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાજીએ આજે કોડીનારમાં તિરંગાયાત્રામાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ભાજપ અને કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે, કોંગ્રેસને વોટ આપે છે તેઓ કહે છે કે અમે કોંગ્રેસને વોટ આપીએ છીએ પરંતુ કોંગ્રેસ ભાજપની સરકાર બનાવે છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ તિરંગાયાત્રા દરમિયાન ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, છેલ્લા 75 વર્ષમાં ભાજપ અને કોંગ્રેસને મોકો આપ્યો તો બદલામાં શું મળ્યું? કોઈ શાળા નથી આપી, કોઈ હોસ્પિટલ નથી આપી, નોકરી પણ નથી આપી. છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. જે લોકો કોંગ્રેસને વોટ આપે છે તેઓ કહે છે કે અમે કોંગ્રેસને વોટ આપીએ છીએ પરંતુ કોંગ્રેસ ભાજપની સરકાર બનાવે છે. ગુજરાતની જનતા હવે માત્ર પરિવર્તન ઇચ્છે છે. તમે એક મોકો કેજરીવાલને આપીને જોવો, તમારું વીજળીનું બિલ ઝીરો આવવા લાગશે. જેમ દિલ્હીમાં આવવા લાગ્યું છે તેમ પંજાબમાં પણ ઝીરો આવવા લાગ્યું છે. તમે 27 વર્ષથી ભાજપને આપ્યા, 32 વર્ષ કોંગ્રેસને આપ્યા, હવે એક વાર અરવિંદ કેજરીવાલને તક આપીને જુઓ.