રાજકોટ બાદ જૂનાગઢમાં 17 વર્ષિય કિશોરનું મોત, વાડીમાં ચાલતા ચાલતા અચાનક જ ઢળી પડ્યો
સ્થાનિકોએ કિશોરને સીપીઆર આપીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો
રાજકોટમાં આજે ધોરણ 10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેક આવવાને કારણે મોત નિપજ્યું હતું. ત્યારે હવે જૂનાગઢમાં 17 વર્ષિય કિશોરનું કાર્ડિયાર્ક એરેસ્ટના કારણે મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આજે સવારે નારીયેળની વાડીમાં આ કિશોર જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક ઢળી પડ્યો હતો. સ્થાનિકોએ તેને બચાવવા માટે CPR આપવાનો પ્રયત્ન કર્યો હતો અને બાદમાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
સ્પીચ આપતી વેળા અચાનક ઢળી પડયો
આજે સવારે રાજકોટમાં પણ ગોંડલ હાઇવે રોડ ઉપર આવેલ SGVP ગુરુકુળમાં ગુરુપૂર્ણિમા નિમિતે કાર્યક્રમનું આયોજન કરાયુ હતું જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતો દેવાંશ ભાયાણી નામનો 14 વર્ષીય વિદ્યાર્થી સ્ટેજ ઉપર સ્પીચ આપવા ઉભો થયો હતો અને સ્પીચ આપતી વેળાએ જ અચાનક ઢળી પડયો હતો અને બેભાન થઇ ગયો હતો તુરંત તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજ્યું હતું.
નવસારીમાં તાજેતરમા વિદ્યાર્થીનીને એટેક આવ્યો હતો
બીજી તરફ તાજેતરમાં જ નવસારીના પરતાપોર ગામમાં આવેલી એબી સ્કૂલમાં ધોરણ 12 સાયન્સ ઈંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતી તનિષા ગાંધી શાળામાં જ રિસેસ દરમિયાન સીડી ચડતી સમયે ઢળી પડ્યા બાદ તેનું મોત નિપજ્યું હતું. તબીબ તપાસમાં તનિષાનું મોત હાર્ટઅટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું.નાની ઉંમરમાં હાર્ટ-એટેક અને કાર્ડિયક અરેસ્ટના બનાવમાં વધારો થયો છે.