શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 નવેમ્બર 2020 (12:16 IST)

ડાંગમાં વિજય પટેલે લહેરાવી 'વિજય પતાકા', ૫૯,૪૭૫ મતોથી ભવ્ય વિજય

ડાંગ વિધાનસભા મતદાર વિભાગની ગત તા.૩જી નવેમ્બરના રોજ યોજાયેલી પેટા ચૂંટણીની મત ગણતરી તા.૧૦/૧૧/૨૦૨૦ના રોજ સરકારી વિજ્ઞાન કોલેજ, આહવા ખાતે હાથ ધરવામા આવી હતી. જેમા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય પટેલનો ૫૯,૪૭૫ મતોથી વિજય થયો હતો. 
 
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરાયેલી મતગણના દરમિયાન કુલ ૩૬ રાઉન્ડ સહીત ૧ પોસ્ટલ બેલેટના રાઉન્ડ સાથે જુદા જૂદા ૧૦ ટેબલો ઉપર ગણતરી હાથ ધરવામા આવી હતી. ગણતરીના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય પટેલને કુલ ૯૪,૦૦૬ મત મળવા પામ્યા છે. જયારે તેમના નજીકના હરીફ ઉમેદવાર સૂર્યકાંત ગાવીતને (ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ) ૩૩૯૧૧, ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવાર બાપુભાઈ ગામીતને ૧૨૩૪, અપક્ષ ઉમેદવાર જીતેન્દ્ર ગામીતને ૩૯૬, અપક્ષ ઉમેદવાર દિનેશ હાડળને ૩૧૪, અપક્ષ ઉમેદવાર ચિરાગ  પટેલને ૪૨૮, અપક્ષ ઉમેદવાર મનુભાઈ  ભોયેને ૫૪૨, અપક્ષ ઉમેદવાર યોગેશ ભોયેને ૪૦૦, અપક્ષ ઉમેદવાર મુકેશ વાડેકરને ૯૨૮ મળી કુલ ૧,૩૨,૧૫૯ માન્ય મતો તથા ૨૯૩૯ નોટાના મતો સહીત કુલ ૧,૩૫,૦૯૮ મતોની ગણતરી હાથ ધરવામા આવી હતી. જેમા ૧૪૪૨ પોસ્ટલ બેલેટનો પણ સમાવેશ થાય છે. જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મત ગણતરી વેળા ચૂંટણી નિરીક્ષક પણ ઉપસ્થિત રહ્યા હતા. 
 
ડાંગ જિલ્લામા આ વેળાની પેટા ચૂંટણીમા કુલ ૭૫.૦૧ ટકા જેટલુ મતદાન નોંધાયુ હતુ. જિલ્લામા નોંધાયેલા કુલ ૮૯૪૧૭ પુરુષ મતદારો, ૮૮૭૬૭ સ્ત્રી મતદાર, તથા ૨ અન્ય જાતિના મતદાર મળી કુલ ૧૭૮૧૮૬ મતદારો નોંધાયા હતા. જે પૈકી ૬૬૧૭૧ પુરુષ, અને ૬૬૮૭૩ સ્ત્રી મળી કુલ ૧૩૩૦૪૪ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અહી ૩૫૭ મતદાન મથક ઉપર ૭૪.૦૦ ટકા બુથ મતદાન નોંધાયુ હતુ. જયારે ૬૧૫ ઈ.ડી.સી. મત (ઈલેક્શન ડ્યુટી સર્ટીફીકેટ) સાથે અહી કુલ ૭૫.૦૧ ટકા મતદાન નોંધાયુ હતું. આ ઉપરાંત આ ચૂંટણીમા પોસ્ટલ બેલેટ અને સર્વિસ વોટર્સ મળી કુલ ૧,૩૫,૦૯૮ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 
 
ઉલ્લેખનીય છે કે, સને ૨૦૧૭ ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમા કુલ ૧,૨૨,૬૭૨ મતદારોએ મતદાન કર્યું હતુ. જે પૈકી તત્કાલીન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસસના ઉમેદવાર મંગળ ગાવીતને ૫૭,૮૨૦ મતો તથા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય પટેલને ૫૭,૦૫૨ મતો મળવા પામ્યા હતા. આમ, ૭૬૮ માટે મંગળભાઈ ગાવિત (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) ના ઉમેદવારનો વિજય થવા પામ્યો હતો. જે તે વખતે નોટાને ૨૧૮૪ અને અન્ય બે ઉમેદવારોને કુલ ૪૩૧૨ મતો પ્રાપ્ત થયા હતા.