હવે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ 12મી માર્ચે ગુજરાતમાં ધામા નાંખશે
પુલવામાં હૂમલામાં શહિદ જવાનો મુદ્દે રદ થયેલી કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક તેમજ જનસંકલ્પ રેલી હવે ૧૨મી માર્ચના દાંડી કૂચના ઐતિહાસિક દિવસે યોજાશે. આ દિવસે અડાલજ ત્રિમંદિર ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, મહામંત્રી પ્રિયંકા ગાંધી, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી તેમજ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ જાહેર સભાને સંબોધશે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે વિધિવત્ ટ્વિટ કરીને ૧૨મી માર્ચના દાંડી કૂચના દિવસે સીડબ્લ્યુસી તેમજ જનસંકલ્પ રેલીના કાર્યક્રમની જાહેરાત કરી છે. સૂત્રો કહે છે કે, કાર્યકારિણી બેઠક શાહીબાગ સ્થિત સરદાર સ્મારક ખાતે જ યોજવામાં આવશે, જેમાં કોંગ્રેસના પી. ચિદમ્બરમ, મલ્લિકાર્જુન ખડગે, ગુલામનબી આઝાદ સહિત ૫૦થી વધુ રાષ્ટ્રીય નેતાઓ હાજરી આપશે. જનસભા અડાલજ ખાતે જ યોજવાનું મન બનાવ્યું છે. ગુજરાતમાં છેલ્લે ૧૯૬૧માં ભાવનગર ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી.