સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 2 ઑગસ્ટ 2024 (18:18 IST)

દાહોદ: 'સાહેબ, ચોર ઘરમાં ઘૂસી ગયા છે', પોલીસને ફોન કરતાં આવો જવાબ મળ્યો

robbery
‘ઘરમાં ચોર ઘૂસ્યા છે? અને તમે ઘરમાં બંધ છો? તો બહાર કોણ છે? એક કામ કરો પહેલા લીમડી પોલીસ સ્ટેશન આવો અને ફરિયાદ લખાવો. ત્યાર બાદ પોલીસ તમારા ઘરે આવશે.’
 
દાહોદ જિલ્લાના લીમડીમાં ફોન કરીને મદદ માગનાર વ્યક્તિનું કહેવું છે કે જ્યારે તેમણે લીમડી પોલીસ સ્ટેશનમાં ચોરી મામલે ફોન કર્યો તો સામેથી પોલીસે આવો જવાબ આપ્યો હતો.
 
પોલીસ સ્ટેશનમાં હાજર કર્મીએ આપેલો જવાબ હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
 
ફોનની ઑડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસ ટીમને મોકલવાની જગ્યાએ ફરિયાદીને કારણ વગરના પ્રશ્નો પૂછનાર હેડ કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
 
પોલીસ હાલ તો જે ઘરમાં ચોરી થઈ હતી ત્યાં ઇન્સ્ટોલ કરવામાં આવેલાં સીસીટીવી કૅમેરાના ફૂટેજ થકી ચોરોને પકડવા માટે પ્રયાસ કરી છે. ઘટનાથી ફરિયાદી અને તેમના પરિવારજનો આઘાતમાં છે.
 
શું છે સમગ્ર મામલો?
 
લીમડી – ઝાલોદ રોડ પર રહેતા અને વાહનો લે-વેચ કરવાનું કામ કરતા દેવેન્દ્ર કલાલનું કહેવું છે કે તેમના ઘરે પહેલી ઑગષ્ટની મોડી રાત્રે ચોર ઘૂસ્યા હતા.
 
ધાબાથી ઊતરીને ચોરટોળકીએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. પ્રવેશ કર્યા બાદ ઘરના જેટલા પણ રૂમ છે તેમને બહારથી બંધ કરી દીધા હતા.
 
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા દેવેન્દ્ર કલાલ કહે છે, ''રાત્રે એકથી બે વાગ્યના સમયગાળા દરમિયાન કૂતરાં ભસતાં મને લાગ્યું કે અજુગતું થયું છે. સીસીટીવી કૅમેરા ચેક કરતા ખબર પડી કે ઘરમાં ચોર પ્રવેશ કરી ગયા છે. રૂમનો દરવાજો બહારથી બંધ હતો એટલે મેં તરત નજીકમાં રહેતા મારા ભાઈ પ્રવીણને ફોન કર્યો. પોલીસની મદદ મળી રહે તે માટે મારા ભાઈએ લીમડી પોલીસ સ્ટેશનના લૅન્ડલાઇન નંબર પર ફોન કર્યો.''
 
પરંતુ જ્યારે પ્રવીણે પોલીસને મદદ માટે કોલ કર્યો ત્યારે તેમને વિચિત્ર અનુભવ થયો હતો. પોલીસ સ્ટેશનમાં હાજર પીએસઓ (પોલીસ સ્ટેશન ઑફિસર)એ યોગ્ય રીતે જવાબ આપવાની જગ્યાએ ગોળગોળ વાતો કરી હતી.
 
પ્રવીણ કલાલે બીબીસીને જણાવ્યું કે, ''ફોન કર્યાના અઢી મિનિટ સુધી તો મને કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નહોતો. વારંવાર મારું નામ પૂછવામાં આવ્યું હતું. મેં ફોન પર એડ્રેસ આપીને કહ્યું કે ચોર ઘૂસ્યા છે તો મને કહેવામાં આવ્યું કે, ફોન ચાલુ રાખો. મને લખવા દો.''
 
જ્યારે મેં મદદ માટે કહ્યું તો સામે છેડે પોલીસકર્મીએ મને કહ્યું કે, ''તમારા ઘરમાં ચોર ઘૂસ્યા છે? તમે ઘરમાં બંધ છો? એક કામ કરો તમે પોલીસ સ્ટેશન આવો અને ફરિયાદ લખાવો ત્યાર બાદ પોલીસ ટીમ આવશે.''
 
''જ્યારે મેં પ્રશ્ન કર્યો કે પોલીસ સ્ટેશન કઈ રીતે આવું તો સામેથી પૂછવામાં આવ્યું, તમે ઘરમાં છો તો બહાર કોણ છે? ઠીક છે પણ તમે લીમડી ફોન કરો હું તો મીરાખેડી છું. તમને આ નંબર કોણે આપ્યો?''
 
કલાલ પરિવાર અનુસાર જો પોલીસ ટીમ સમયસર આવી ગઈ હોત તો ચોરો રંગે હાથ પકડાઈ ગયા હોત.
 
દેવેન્દ્ર કલાલ કહે છે, ''છથી સાત બુકાનીધારી લોકો ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તેમની પાસે હથિયાર પણ હતાં. જો પોલીસની ટીમ આવી ગઈ હોત તો તેમની મદદથી અમે એ લોકોને પકડી પાડ્યા હોત. પરંતુ મૂલ્યવાન સમય વેડફાઈ ગયો અને ચોરની ટોળકી ભાગી નીકળવામાં સફળ રહી હતી.''
 
30 મિનિટ બાદ પહોંચી પોલીસ ટીમ
કલાલ પરિવાર અનુસાર ચોરટોળકી અંધારાનો લાભ લઈને ભાગવામાં સફળ થઈ તેના 30 મિનિટ જેટલા સમય બાદ પોલીસની ટીમ તેમના ઘરે આવી હતી.
 
પ્રવીણ કલાલ કહે છે, ''મારી પાસે પોલીસ કર્મચારીનો નંબર હતો અને મેં તેમને કોલ કર્યો. કોલ કર્યા બાદ પોલીસ જમાદાર સહિતના સ્ટાફ ઘરે આવીને તપાસ કરી હતી. પોલીસની પેટ્રોલિંગ ટીમ પણ આવી હતી અને સમગ્ર વિસ્તારમાં તપાસ કરી હતી.''
 
''અમે ઘરની પાછળ ખેતરમાં ગયા હતા જ્યાં ચોરોની ટોળકી રોકાઈ હતી. ત્યાં અમને ઘરમાંથી ચોરી કરવામાં આવેલી સૂટકેસ મળી આવી હતી. અમે લોકો ત્યાર બાદ આજુબાજુમાં તપાસ કરી હતી પરંતુ સફળતા મળી નહોતી.''
 
અત્રે નોંધવા જેવી વાત એ છે કે ચોરની ટોળકી મુખ્ય દરવાજાથી પ્રવેશ કર્યો હતો અને ખાસ્સા સમય સુધી ઘરમાં હાજર હતી.
 
પ્રવીણ કલાલ જણાવે છે, ''ચોરટોળકીના બે સભ્યો ખેતરના રસ્તે બાજુના ઘરના ધાબા પર ચઢ્યા હતા અને પછી મારા ભાઈના ઘરે પ્રવેશ કર્યો હતો. તેઓ આ રીતે જ પાછા ગયા હતા. ચોરી કર્યા બાદ ટોળકી ખેતરમાં રોકાઈ હતી. પોલીસ ટીમ જો આવી ગઈ હોત તો ચોરટોળકી પકડાઈ ગઈ હોત.''
 
પીએસઓને સસ્પેન્ડ કર્યા
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ઝાલોદના નાયબ પોલીસ અધીક્ષક ડીઆર પટેલ કહે છે, ''સીસીટીવી ફૂટેજના આધારે અમે તપાસ કરી રહ્યા છીએ. ચોરટોળકીને પકડવા માટે ત્રણ ટીમો બનાવી છે. અમે ટેકનિકલ સર્વેલન્સનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ. ચોરટોળકી સ્થાનિક હતી કે બહારથી આવી હતી તે વિશે તપાસ બાદ જ કહી શકાશે.''
 
પ્રવીણ કલાલે જ્યારે મદદ માટે લીમડી પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો ત્યારે તેમને ફરિયાદ લખવા માટે જણાવનાર પોલીસ કર્મચારી હતા અજિત ડામોર.
 
દાહોદ પોલીસમાં છેલ્લાં 12 વર્ષથી કાર્યરત્ અજિત ડામોરની એક વર્ષ પહેલાં જ લીમડીમાં બદલી થઈ છે. કૉન્સ્ટેબલ તરીકે પોલીસ ખાતામાં જોડાયા બાદ અજિત ડામોર હાલમાં હેડ કૉન્સ્ટેબલના હોદ્દા પર છે.
 
મીરાખેડી પોલીસ ચોકીમાં તહેનાત અજિત ડામોરની 20 દિવસ પહેલાં જ લીમડી પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી.
 
પોલીસકર્મીની વર્તણૂક અને ફરિયાદ અંગે ગોળગોળ વાતો કરવા મામલે પૂછતાં નાયબ પોલીસ અધીક્ષક ડીઆર પટેલ કહે છે, ''અમે અજિત ડામોરને સસ્પેન્ડ કરી દીધા છે અને તેમની સામે તપાસ આરંભી દીધી છે. તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.''
 
જ્યારે પ્રવીણ કલાલે મદદ માટે ફોન કર્યો ત્યારે શું અજિત ડામોર નશાની હાલતમાં હતા? તેના જવાબમાં ડીઆર પટેલે જણાવ્યું કે અજિત ડામોર નશાની હાલતમાં હતા તે વાતમાં તથ્ય નથી.
 
કાયદો શું કહે છે?
લીમડી પોલીસના હેડ કૉન્સ્ટેબલ અજિત ડામોરે મદદ માટે ફોન કરનાર વ્યક્તિને કોઈ પણ સહાયતા કરી નહોતી એવો ફરિયાદીનો આરોપ છે.
 
ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે જો કોઈ સરકારી કર્મચારી સંહિતાની વિવિધ કલમ હેઠળ આવતાં ગુના વિશેની માહિતી ન નોંધે તો તેની સામે કાયદાકીય પગલાં લઈ શકાય છે. ન્યાય સંહિતા પ્રમાણે છ મહિનાથી લઈને 2 વર્ષ સુધીની જેલવાસ થઈ શકે છે.
 
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા વરિષ્ઠ વકીલ રાજેન્દ્ર શુક્લ કહે છે, ''જો કોઈ પોલીસ સ્ટેશનમાં ફોન કરે તો પોલીસ કર્મચારીએ મદદ કરવી જોઈએ. જો તે ન કરે તો તેની સામે ફરજ પ્રત્યે બેદરકારી અને કાવર્ડ (ડરપોક)ના ચાર્જ હેઠળ ગુનો દાખલ થઈ શકે છે. તપાસ બાદ જો આરોપ સાચા પુરવાર થાય તો કર્મચારી નોકરી પણ ગુમાવી શકે છે.''
 
નિયમ પ્રમાણે, જો કોઈ પોલીસ કર્મચારી તમારી ફરિયાદ ન સાંભળે અથવા તમારી મદદ ન કરે તો તેમની વિરુદ્ધ ઉપલી અધિકારીને લેખિત ફરિયાદ કરી શકાય છે. લીમડીના કિસ્સામાં જિલ્લા પોલીસ અધીક્ષકને ફરિયાદ કરી શકાય છે.
 
તમે મૅજિસ્ટ્રેટ પાસે જઈને જે તે પોલીસ અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો. ઉપરાંત તમે કાયદાકીય સલાહ લીધા બાદ કોર્ટમાં કેસ દાખલ કરી શકો છો.