તાઉતે વાવાઝોડું દીવ અને ઉના વચ્ચે આવી ચુક્યું છે, સંપૂર્ણપણે લેન્ડફોલ થતાં 2 કલાક લાગશે
મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉપસ્થિત રહી તાઉતે વાવાઝોડાના લેન્ડફોલ અને રાજ્ય પરથી પસાર થવાની સંપૂર્ણ પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે.
મુખ્યમંત્રીએ મોડી રાત્રે ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય સચિવ સહિત રાજ્ય સરકારના તમામ વિભાગના વરિષ્ઠ સચિવો સાથે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજીને આ વાવાઝોડાની ગતિ, સ્થિતી અને તીવ્રતા વિશેની રજેરજની માહિતી મેળવી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સમીક્ષા બેઠક સંદર્ભમાં વિગતો આપતા જણાવ્યું કે, તાઉતે વાવાઝોડું દીવ અને ઉના વચ્ચે આવી ચુક્યું છે. ભારે પવન અને વરસાદ શરૂ થયા છે. વાવાઝોડાને સંપૂર્ણપણે લેન્ડફોલ થતાં 2 કલાક લાગશે. અને ત્યારબાદ રાજ્ય પરથી વાવાઝોડાને પસાર થતા અન્ય 2 કલાક લાગશે. આમ રાત્રીના 1 વાગ્યા સુધી વાવાઝોડું અને તેને પગલે વરસાદ- ભારેપવન ફૂંકાવાનું ખાવાનું ચાલુ રહેશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વાવાઝોડાનું કેન્દ્ર- આઈ પસાર થતી હોય તે જગ્યા પર તીવ્રતા ઓછી હોય છે. પરંતુ આજુબાજુના મોટા વિસ્તારમાં ભારે પવન ચાલુ રહે છે. આથી વાવાઝોડુ જતું રહ્યું તેવી ગેરસમજ ન થાય અને નિષ્કાળજી કે બેદરકારી કોઈ ન રાખે તેવી ખાસ અપીલ કરી હતી.
તેમણે કહ્યું કે, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર એમ ચાર જિલ્લામાં વાવાઝોડાની સૌથી વધુ અસર રહેશે અને ૧૫૦ કિલોમીટરની પ્રતિ કલાકની ગતિ સાથે ભારે પવન ફૂંકાશે. પોરબંદર, દ્વારકા, જામનગર અને રાજકોટમાં 100 કિલોમીટર પ્રતિ કલાક ગતિનો ભારે પવન ફૂંકાશે તથા આણંદ ભરૂચ અને અમદાવાદના ધોલેરા વિસ્તારમાં પણ વાવાઝોડાની અસર વર્તાશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વાવાઝોડાને પગલે અમુક તાલુકામાં વીજ પુરવઠો ખોરવાયો છે, વૃક્ષો પડવાના ઘટના બની છે. વહીવટીતંત્ર લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને જાનમાલની નુકસાની થાય નહીં તે રીતે કામગીરી કરી રહ્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે વાવાઝોડાને પગલે કોઇ વ્યક્તિ કે કોઈ દર્દીને ક્યાંય ફસાય તો તેમને એરલિફ્ટ કરવા માટે દેશની વાયુસેના સાથે સંકલન કરીને વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વાયુસેનાની આવશ્યક ટુકડીઓ આ માટે સ્ટેન્ડ-ટુ રાખવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોરોનાના દર્દીઓ માટેની દવા, ઓક્સિજન અને ઇન્જેક્શનનો પુરવઠો અગાઉથી જ પહોંચાડી દેવામાં આવ્યો છે જેથી આ વાવાઝોડા દરમિયાન કોરોના સંક્રમિત લોકોની સારવારમાં કોઈ વિક્ષેપ ઊભો ન થાય.
મુખ્યમંત્રીએ આ અગાઉ ઉનાના મામલતદાર સાથે ટેલિફોનિક વાતચીત કરીને ઉનાની પરિસ્થિતિની જાણકારી મેળવી હતી, ખાસ કરીને કોવિડ સંક્રમિતોને કોઇ જ તકલીફ ન પડે તે જોવા ખાસ તાકીદ કરી હતી.