આગામી 15 જૂન સૂધી વાવાઝોડાનો ખતરો બની રહેશે, વેરાવળ-પોરબંદરના બદલે ઓમાન તરફ ફંટાશે
છેલ્લા ચાર દિવસથી જે વાયુ વાવાઝોડાની ચર્ચાઓ થઈ રહી છે તેની અસર હવે ઘટવા માંડી છે. બુધવારે મધરાતે વાયુની દિશા બદલાઈ હોવાથી તે ગુજરાતને સંકટમાં રાખી શકે એમ નથી. દીશા બદલાઈ છે પણ ઝડપ હજી એવીને એવી છે. હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 200 કિમી દૂર ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે. જેથી ગુજરાતના દરિયાકાંઠે ભારે વરસાદ શરૂ થયો છે અને દરિયામાં હાઈ ટાઈડ જોવા મળી રહ્યા છે. આગામી 15 જૂન સૂધી વાવાઝોડાનો ખતરો રહેશે.હવામાન એજેન્સી સ્કાયમેટે દાવો કર્યો છે કે ‘વાયુ’ વાવાઝોડાની ગુજરાતમાં કોઈ અસર નહીં થાય. આ વાવાઝોડું પોરબંદર નજીકથી પસાર થાય તેવી શક્યતા છે. હાલ જે કેટેગરી 2નું વાવાઝોડું છે તે કેટેગરી 1માં પરિવર્તિત થાય તેવી સંભાવના છે. લો પ્રેશરમાંથી ભયંકર વાવાઝોડામાં પરિવર્તિત થયેલું ‘વાયુ’ વાવાઝોડું કદાચ ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય. વાયુ હાલ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જે રીતની પરિસ્થિતિ ઉભી થઈ રહી છે તેના પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય પરંતુ પોરબંદર, દ્વારકા અને ઓખાના દરિયાકાંઠાની નજીકથી પસાર થશે. કાંઠાના વિસ્તારમાં થોડી અસર જોવા મળે તેવી શક્યતા વર્તાઈ રહી છે.