સાયબર ક્રાઈમમાં 300 ટકાનો વધારો, લોકોએ છેલ્લા 7 મહિનામાં ઓનલાઈન ફ્રોડમાં 3 કરોડ ગુમાવ્યા
સાયબર ક્રાઈમમાં સુરતીઓએ છેલ્લા 7 મહિનામાં ત્રણ કરોડથી વધુ રૂપિયા ગુમાવ્યા છે. ગત વર્ષની સરખામણીએ 2021માં સાયબર ક્રાઈમમાં 300 ટકાનો વધારો નોંધાયો છે. 2020માં 204 કેસ નોંધાયા હતા. જ્યારે 2021ના સાત મહિનામાં જ 203 ગુના નોંધાઈ ચૂક્યા છે. જેમાં મોટાભાગે મહિલા અને વૃદ્ધો વધુ ભોગ બન્યા છે. જેથી હવે સુરત શહેર પોલીસ સાયબર સંજીવની અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓના માધ્યમથી જાગૃત્તિ ફેલાવી લોકોના પૈસા બચાવવા માગે છે. ઓનલાઈન છેતરપિંડી કરનાર તત્વો સ્માર્ટ હોવાથી તેઓની મોડ્સ ઓપરેન્ડીમાં કેટલાક લોકો આવી જતા હોય છે અને નાણાકીય વ્યવહાર કરી નાખતા હોય છે. આ અંગે એથિકલ હેકર જય ગાંગાણીએ જણાવ્યું હતું કે, ઠગબાજો કંપનીના ઇ-મેઇલ હેક કરી, ફોન ઉપર બેન્ક અધિકારીની ખોટી ઓળખ આપી, એટીએમ કાર્ડ ફ્રોડ, ક્રેટીડ કાર્ડ, લોટરી કાર્ડ, નોકરી ફ્રોડ, શોપીંગ ફ્રોડ દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હોય છે. લોકોએ સાવચેત રહેવું ખૂબ જરૂરી છે. 4 વર્ષ દરમિયાન શહેર પોલીસના ચોપડે સાયબર ક્રાઇમના 803 જેટલાં ગુના નોંધાયા છે. જેમાં પણ ચાલુ વર્ષના 7 માસમાં લોકોએ 3 કરોડથી વધુ રૂપિયા ગુમાવ્યા છે. આ મામલે જનજાગૃતિ લાવવા એક મહિના સુધી શહેર પોલીસ વિભાગ દ્વારા સાયબર સંજીવની અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો આયોજિત કરાશે. જેમાં શહેરની શાળાના 2 લાખ વિદ્યાર્થી પણ આ અભિયાનમાં જોડાઇને 20 લાખ સુરતીઓને જાગૃત કરશે. શહેર પોલીસ કમિશનર અજય તોમરના જણાવ્યા મુજબ સાયબર ક્રાઇમ સેફ સુરત બનાવવા માટે લોકોને સાયબર ક્રાઈમની વિવિધ રીતો વિશે માહિતગાર કરવાનો લક્ષ્યાંક છે. લોકો ડિજીટલ પ્લેટફોર્મનો સલામત રીતે ઉપયોગ કરતા થાય અને સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટે લોકોને પ્રોત્સાહિત કરાશે. પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું કે એક મહિના સુધી ચાલનારા આ અભિયાન હેઠળ સાયબર અવેરનેસ કવિઝ રખાશે.