ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , ગુરુવાર, 25 મે 2023 (00:27 IST)

કોઈપણ કોલ આવે બેંકની વિગતો આપતાં ચેતજો, અમદાવાદી યુવતીને એક કોલ આવ્યો ને 4 લાખ ગુમાવ્યા

frank call
સાઉથ બોપલમાં રહેતી ઇન્ટિરિયર ડિઝાઈનર યુવતીને ‘તમારા પાર્સલમાંથી ૩૫૦ ગ્રામ ડ્રગ્સ મળ્યું છે તેવો કોલ આવ્યો
 
નાર્કોટિક્સ વિભાગ, ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી ઠગબાજોએ ચાર લાખ રૂપિયા પડાવી લીધા 
 
સાયબર ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. બીજી બાજુ ફોન કોલ્સ અને લિંક મારફતે લોકોના બેંક એકાઉન્ટ ખાલી થઈ રહ્યાં છે. લોકો સરેઆમ ઠગાઈનો ભોગ બની રહ્યાં છે. અમદાવાદના સાઉથ બોપલમાં રહેતી અને પ્રહ્લાદનગર ખાતે એક સ્ટુડિયોમાં ઇન્ટિરિયર ડિઝાઈનર તરીકે નોકરી કરતી યુવતીને તમારા પાર્સલમાંથી 350 ગ્રામ ડ્રગ્સ મળ્યું છે’ તેમ કહીને નાર્કોટિક્સ વિભાગ, ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી ઠગબાજોએ ચાર લાખ રૂપિયા પડાવી લીધા છે. યુવતીનું કુરિયર ન હોવા છતાં ઠગબાજોએ તેને જાળમાં ફસાવી હતી. યુવતીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 
 
તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું છે એવો કોલ આવ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે 26 જાન્યુઆરીના રોજ યુવતી તેના ઘરે હાજર હતી. ત્યારે સવારના સમયે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો.ફોન કરનારે યુવતીને કહ્યું હતું કે હું મુંબઈ અંધેરી ઇસ્ટ ફેડેક્સ પાર્સલ સર્વિસમાંથી બોલું છું. અમને તમારા થકી મુંબઈથી તાઇવાન મોકલાવેલ કુરિયરમાં કપડાં,પાંચ ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ સહિત 350 ગ્રામ ડ્રગ્સ અને અગત્યના ગેરકાયદે ડોક્યુમેન્ટ મળી આવેલ છે. પાર્સલ કેન્સલ કરવામાં આવે છે. આથી યુવતીએ ફોન કરનાર ગઠિયાને કહ્યું હતું કે આવું કોઈ પાર્સલ કુરિયરથી મોકલાવ્યું નથી. ગઠિયાએ તેને પોલીસ ઈન્કવાયરી વિભાગને ફોન કનેક્ટ કરી આપું છું તેમ કહીને અન્ય શખ્સ સાથે વાત કરાવી હતી.
 
મુંબઈ પોલીસના નામે બેંકની વિગતો માંગી
અન્ય શખ્સે યુવતીને કહ્યું હતું કે હું મુંબઈ પોલીસમાંથી બોલું છું તમારા પર ક્રાઇમ બ્રાન્ચનો કેસ છે. જેથી તમે મુંબઈ આવી જાઓ અથવા તમને વોટ્સઅપ કોલ આવે તેમાં કુરિયર બાબતે વેરિફાઈ કરાવી લો. થોડી વારમાં યુવતી સાથે નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટમાંથી વાત કરું છું તેમ કહીને કોઈએ વાતચીત કરી હતી. ગઠિયાએ યુવતીને કહ્યું હતું કે તમે આવું કેટલા સમયથી કરો છો તમે કેટલાં બેન્ક એકાઉન્ટ વાપરો છો તેની માહિતી મોકલો. 
 
યુવતીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
ઠગોએ યુવતીને કહ્યું હતું કે, તમારા એકાઉન્ટમાં કેટલા રૂપિયા છે તેની વિગત અમને મોકલી આપો. અમારે રૂપિયા ચેક કરવા પડશે તે બ્લેકના છે કે કેમ? આથી યુવતીએ ટુકડે ટુકડે ચાર લાખ રૂપિયા ઠગબાજોને ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ ઠગબાજો વધુ રૂપિયા માગતા હોવાથી તેણે ફોન કાપી નાખ્યો હતો. તેણો પોતાની સાથે ઠગાઈ થઇ હોવાથી તેણે તાત્કાલિક બોપલ પોલીસ સ્ટેશનમાં જઈને ઠગબાજો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.