શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 જૂન 2022 (09:51 IST)

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ડીસાના ખેંટવા ગામમાં રાત્રે વરસાદની સાથે માછલીઓ પણ વરસતાં કૂતૂહલ

હવામાન વિભાગની આગાહી મુજબ, મંગળવારે બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં 2.5 મિમીથી લઇ અઢી ઇંચ સુધીના વરસાદ પડી શકે છે તેમજ પ્રતિ કલાકે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.બનાસકાંઠા જિલ્લામાં સોમવારે સાંજે છ વાગ્યે પૂરા થતા 48 કલાક દરમિયાન વડગામમાં બે ઇંચ, દાંતીવાડા દોઢ, પાલનપુર - દિયોદર એક ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે અંબાજી, સુઈગામ, ડીસામાં ભારે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. સોમવારે સાંજે 6:00 વાગ્યે દરમિયાન પાલનપુરમાં 26 મિમી વરસાદ નોંધાયો હતો, જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.રવિવારે રાત્રે ભીલડી પંથકમાં પડેલા વરસાદ સાથે નાની નાની માછલીઓ ખેતરમાં પડી હતી.

ડીસા તાલુકાના ખેંટવા ગામના ખેડૂત બાબુભાઇ જીવાભાઈ દેસાઈના ખેતરમાં વરસાદી ઝાપટાં ભેગી નાની નાની માછલીઓ મૃત હાલતમાં જમીન પર પડતાં અચરજ ફેલાયું હતું. અહીં આસપાસ નદી તળાવ નથી એવામાં માછલીઓ જોવા મળતાં લોકો ઊમટી પડ્યા હતા.જિલ્લાનો સૌથી વધુ વરસાદ વડગામ તાલુકામાં 55 મિમી નોંધાયો હતો. વીજળીના કડાકાભડાકા સાથે પડેલા વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાઇ ગયાં હતાં. વાહનચાલકો સહિત રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદથી વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. વડગામ પંથકમાં બાજરીનું વાવેતર વધુ પ્રમાણમાં થયું હોય અને અત્યારે તેની કાપણી થઈ રહી હોય વરસાદના કારણે પાક પલળી જતાં ખેડૂતોને નુકસાન થયું છે.શિહોરીને બાદ કરતા આકોલી, ખસા સહિતના વિસ્તારોમાં વરસાદનું ભારે ઝાપટું પડ્યું હતું. જેમાં બાજરી અને ઘાસ ભીંજાઈ જવાથી નુકસાન પણ થયું છે. ખેતરોમાં પાણી ભરાયા હતા.