રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 31 ઑગસ્ટ 2021 (09:29 IST)

અમદાવાદના કાંકરિયા કિડ્સ સીટીમાં નોકરી કરતી મહિલાએ ઉપરી અધિકારીના ત્રાસથી દવાની ગોળીઓ ગળી

અમદાવાદના કાંકરિયા કિડ્સ સીટીમાં મેનેજર તરીકે ફરજ બજાવતી મહિલાએ પોતાની ઉપરી અધિકારીના ત્રાસથી પોતાના ઘરે દવાઓની ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને સારવાર માટે એલજી હોસ્પિટલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલાએ આક્ષેપ કર્યો છે કે આઉટસોર્સિંગ કંપનીના અન્ય કર્મચારીઓ પણ આ મહિલા ઉપરી અધિકારીના ત્રાસથી કંટાળી ગયા છે. જો કે પોતાની નોકરીના કારણે તેઓ ખૂલીને સામે આવતા નથી. મહિલા અધિકારીના પોતાને અને અન્ય લોકોને ત્રાસ આપવા તેમજ પોતાને આપઘાત કરવા મજબૂર કરવા મામલે મહિલાએ વટવા અને મણિનગર બંને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. પરંતુ બંને પોલીસ સ્ટેશનના પીઆઇ ફરિયાદ નોંધવામાં એકબીજાને ખો આપી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. વટવા પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.વી. સિસારાએ જણાવ્યું હતું કે મહિલાને એમના ઉપરી અધિકારી જોડે પ્રોબ્લેમ હતો એટલે તેની તેઓ ફરિયાદ કરવા માંગતા હતા, જે મણિનગર પોલીસની હદ છે. તેઓએ ગોળી ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો, તે ઘર વટવા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. જ્યારે મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ બી. બી.ગોયલે જણાવ્યું હતું કે મહિલા પોતે ફરિયાદ કરવા માંગતી હતી. તેઓએ આપઘાતનો પ્રયાસ કર્યો છે એ વટવા પોલીસ સ્ટેશનની હદ લાગે છે, જ્યારે તેઓ નોકરી અહીંયા કાંકરીયા કિડ્સ સીટીમાં આઉટસોર્સિંગ કંપનીમાં નોકરી કરે છે. વટવા અને મણિનગર પોલીસને કરેલી ફરિયાદમાં મહિલાએ આક્ષેપ કર્યા છે કે ઘોડાસર વિસ્તારમાં રહેતી મહિલા તેની સગીર દીકરી અને માતા સાથે રહે છે. કાંકરિયા કિડ્સ સીટીમાં આઉટસોર્સિંગ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગત એપ્રિલ માસમાં સરકારી કર્મચારીઓની બદલીઓ થઈ હતી. જેમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે સોનાલીબેન વસાવા આવ્યા હતા. જુના અધિકારીએ બધો એડમિન સ્ટાફ સારો છે અને અન્ય સારી વાતો કરી હતી. ત્યાર બાદથી સોનાલીબેને મેનેજર અને એડમિન સ્ટાફને માનસિક ત્રાસ આપી હોદા પરના અને તેમને સોંપેલાં કામો ન કરવા કહ્યું હતું. મેનેજર હોવા છતાં તેઓને 1 મહિના સુધી કામ આપ્યા વગર અપમાનજનક સ્થિતિમાં બેસાડી રાખ્યા હતા. અવાર નવાર જાહેરમાં અપમાન કરી પોસ્ટ પરથી ડિગ્રેડ કરી દેવાયા હતા. અન્ય કર્મચારીઓ સાથે ફરે અથવા કોઈને પણ બોલવા દેતા ન હતા. મહિલાએ આક્ષેપ કર્યો કે, જુના અધિકારી સાથેના કોઈ મનદુઃખને ધ્યાનમાં રાખી સોનાલીબેન વસાવા આ રીતે અવાર નવાર અન્યો કરતા અલગ વર્તન કરી વાત વાતમાં અમને નોકરીમાંથી કાઢી મુકવાની કે પછી કોઈના દેખતા અપમાન કરતા હતા. તેમજ સતત માનસિક ત્રાસ આપતા હતા. વારંવાર અપમાન થતા 18 ઓગસ્ટના રોજ મહિલાએ પોતાની માતાની દવાઓની ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પહેલા સારવાર માટે એલ.જી. અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે તે સમયે પોલીસ આવી હતી અને માત્ર અરજી લઈ જતી રહી હતી. પોલીસે આ મામલે હજી સુધી મહિલાની ફરિયાદના આધારે કોઈ જ ગુનો દાખલ કર્યો નથી. મણિનગર પોલીસ સ્ટેશન અને વટવા પોલીસ સ્ટેશનના પીઆઇ એકબીજા પર ફરિયાદની વાત ઢોળી રહ્યા છે. શું ખરેખર મહિલાની ફરિયાદ લેવાશે ?