અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનના વાહન ચોરને ઝડપ્યો, આરોપીએ 45 ગુનાઓ કબૂલ્યા
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનના રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ આરોપીએ કરેલા 45 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. તે ઉપરાંત આરોપી પાસેથી પાંચ લાખ રૂપિયાની કિંમતની એક ક્રેટા કાર પણ જપ્ત કરી છે. ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ જ્યારે પેટ્રોલિંગમાં હતાં ત્યારે તેમને બાતમી મળી હતી કે રાજસ્થાનનો એક જાણીતો વાહનચોર સરદારનગર વિસ્તારમાં હોટલ આશ્રય ઈન એક્સપ્રેસ સામે રોડની સામેના ભાગે કાર વેચવા માટે ઉભો છે. આ બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે આરોપી ચોરની ધરપકડ કરી હતી.
આરોપી સાંચોર પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિષના કેસમાં તથા ગુડામાલાની પોલીસ સ્ટેશન, પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન, આગથળા પોલીસ સ્ટેશન, સિદ્ધપુર પોલીસ સ્ટેશન, જેસલમેર પોલીસ સ્ટેશન, સાંગડ પોલીસ સ્ટેશન, રાધેશ્વરી ગેસ ટર્મિનલ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના કેસોમાં તથા સાંચોર પોલીસ સ્ટેશનમાં દારુના કેસમાં પકડાયેલ છે.આરોપીએ પુછપરછમાં આરોપી તથા સાગરીતો રાજસ્થાનથી સ્વીફ્ટ કારમાં અલગ અલગ શહેરોમાં જઈ રાત્રીના સમયે રોડ તથા આજુબાજુમાં પાર્ક કરેલ બોલેરો કેમ્પર તથા પીકઅપ ડાલા તથા અન્ય વાહનોની ડુપ્લીકેટ ચાવીથી તેમજ એસીએમ મશીનથી લોક ખોલી ચોરીઓ કરતાં હતાં. તેમણે ચોરી કરેલા વાહનો રાજસ્થાન ખાતે લઈ જઈ રાજસ્થાન બાડમેર ખાતે ગેરકાયદેસર ડોડાના વેપાર સાથે સંકળાયેલ અલગ અલગ માણસોને વાહનો વેચાણ કરતા હોવાની કબૂલાત કરી હતી. જેથી ચોરીના વાહનો રીકવર કરવા તથા સાગરીતોને શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી બાડમેર રાજસ્થાન ખાતે મોકલી આપવામાં આવી છે.