બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 એપ્રિલ 2022 (12:52 IST)

જાણિતા ક્રિકેટર કપિલ દેવ ગુજરાતની આ યુનિવર્સિટી બન્યા બ્રાન્ડ એમ્બેસેડર

kapil dev
વિકાસની એક મહત્ત્વપૂર્ણ હરણફાળ ભરતાં કર્ણાવતી યુનિવર્સિટીએ સોમવારે મહાન ક્રિકેટર કપિલ દેવ સાથેના તેના લાંબાગાળાના જોડાણની જાહેરાત કરી હતી. કર્ણાવતી યુનિવર્સિટી એ ગાંધીનગરના ઉવારસદમાં આવેલી રાજ્યની ખાનગી યુનવર્સિટી છે અને તે શિક્ષણમાં શ્રેષ્ઠતા પ્રત્યે સમર્પિત છે અને ઇન્ટરડિસિપ્લિનરી શિક્ષણ પર કેન્દ્રીત છે. આ જોડાણના ભાગરૂપે કપિલ દેવ કર્ણાવતી યુનિવર્સિટીના બ્રાન્ડ એમ્બેસેડર બનશે અને સાથે ગવર્નિંગ બોર્ડના સભ્ય પણ બનશે. કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ અંગે ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.
 
કપિલ દેવ વર્ષ 1983નો ક્રિકેટ વર્લ્ડ કપ જીતનારી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હતા. આમ, તેઓ ક્રિકેટ વર્લ્ડ કપ જીતનારી ટીમનું નેતૃત્ત્વ કરનારા પ્રથમ ભારતીય ક્રિકેટ કેપ્ટન બની ગયાં હતા. વળી, તેઓ અત્યાર સુધીમાં વર્લ્ડ કપ જીતનારી કોઈ ટીમના સૌથી યુવાન કેપ્ટન (વર્ષ 1983માં તેઓ 24 વર્ષના હતા) પણ છે.
 
યુનિવર્સિટી સાથેના તેમના જોડાણ અંગે વાત કરતાં કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રિતેશ હાડાએ જણાવ્યું હતું કે, ‘કર્ણાવતી યુનિવર્સિટી ખાતે અમે યુનિવર્સિટીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કપિલ દેવનો સાથ મેળવીને ખૂબ જ ગર્વ અનુભવી રહ્યાં છીએ. અમે કર્ણાવતી યુનિવર્સિટીના પરિવારમાં આ મહાન ક્રિકેટરનું સ્વાગત કરીએ છીએ. 
 
કર્ણાવતી યુનિવર્સિટીમાં અમારો સતત પ્રયાસ રહે છે કે, યુનિવર્સિટીમાં આપવામાં આવતા શિક્ષણને જીવનના વાસ્તવિક અનુભવો, વાસ્તવિક વિશ્વના જ્ઞાન, ફીલ્ડ સાથેના સંસર્ગ અને બહુવિષયક શિક્ષણ સાથે પૂરક બનાવવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ઠતા હાંસલ કરવા માટે પ્રેરિત કરી શકાય. શ્રી કપિલ દેવ સાથેનું અમારું જોડાણ ચોક્કસપણે અમારી આ કટિબદ્ધતાનો પડઘો પાડશે.’
 
રિતેશ હાડાએ આગળ જણાવ્યું હતું કે, ‘ચમત્કારો અને ઝુનૂનની અકલ્પ્ય લાગતી વાતો તથા શ્રેષ્ઠતાને પામવાની તેમની મહેચ્છા ક્રિકેટના આ મહાન ખેલાડીમાં દ્રઢ થયેલી છે અને ક્રિકેટ પ્રત્યેનો તેમનો અભિગમ તેમની એક એવી લાક્ષણિકતા છે, જેની સમગ્ર દેશ પ્રશંસા કરે છે. આ જોડાણ મારફતે અમને આશા છે કે, વિદ્યાર્થીઓ તેમના દરેક પ્રયાસમાં શ્રેષ્ઠતાને પામવા માટે કપિલ દેવમાંથી પ્રેરણા લેશે. અમને વિશ્વાસ છે કે, અમારું આ જોડાણ ઇન્ટરડિસિપ્લિનરી શિક્ષણ અને રમતગમતના વિવિધ ક્ષેત્રોમાં આ પ્રકારની સંખ્યાબંધ સહભાગીદારીઓ કરવા માટેની આધારશિલા બની રહેશે. લાંબાગાળે અમારો ઉદ્દેશ્ય કર્ણાવતી યુનિવર્સિટીને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાનો છે.’