અમદાવાદની કોરોના વોરિયર નર્સ 100 દિવસ ICUમાં રહી કેન્સર સામે લડી જીત્યાં
જીવરાજ મહેતા હોસ્પિટલમાંફરજ બજાવતા હિમેટોલોજિસ્ટ ડો. ધૈવત શુકલાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એલજી હોસ્પિટલનાં સિસ્ટર ઇન્ચાર્જ અને સ્ટાફમાં અતિપ્રિય ઉષાબેન ઝાલાને સ્તન કેન્સરની સારવારમાં રેડિયો અને કીમોથેરેપીથી સ્વસ્થ થયા હતા અને ફરી નોકરી શરૂ કરી, પણ ફરજ દરમિયાન ઢળી પડ્યા અને મગજમાં હેમરેજ થતાં લોહી પાતળું કરવાની દવાની આડઅસરથી અચાનક કોમામાં સરી પડતાં તેમની એક ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રખાયાં હતાં, જ્યાં ખર્ચ વધતાં છેવટે ડો. જીવરાજ મહેતા હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.આગળ તેઓ કહે છે કે, સતત 100 દિવસ આઈસીસીયુની સારવારમાં કોવિડમાં સારી કામગીરી બદલ સરકાર દ્વારા ઉષાબેનને સન્માનિત કરાયાં હતાં, પણ બીજી તરફ કોવિડને કારણે ઉષાબેનના પતિની નોકરી છૂટી ગઈ હતી, જેથી પરિવાર આર્થિક કટોકટીમાં હતો. ખાનગી હોસ્પિટલમાં સારવારનો દિન-પ્રતિદિન વધતાં ખર્ચને ધ્યાનમાં રાખી એલજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના સર્જન ડો. રાઘવે મારી પાસે સારવારની સલાહ આપી હતી.
હું પોતે હિમેટોલોજિસ્ટ છું, પણ ડોક્ટર મિત્રનો આગ્રહ અને દર્દીના પરિવારની આર્થિક સ્થિતિ તેમ જ દર્દી નર્સ હોવાથી મેં તેમની સારવાર કરવાનું નક્કી કર્યું હતું. દર્દીના પતિએ કહ્યું હતું કે, આધ્યાત્મિક અને વિજ્ઞાનને સાથે રાખીને મેં અને મારા પુત્રએ નક્કી કર્યું હતું કે, પત્નીને કોઈપણ ભોગે ઘરે પાછા લઈ જઈશું. એક તરફ ડોક્ટર પર અને ભગવાન પર વિશ્વાસ રાખ્યો જેને કારણે મારી પત્ની મોતના મુખમાંથી બહાર આવી છે. તેને બચાવવા માટે કેલિફોર્નિયાના ચર્ચમાં, સોલા ભાગવત મંદિર તેમજ ગોલ્ડન ટેમ્પલમાં પણ પૂજા થઈ હતી. હોસ્પિટલના ડોક્ટરોથી લઈને સફાઈ કામદાર સુધીના તમામ સ્ટાફનો હું આભાર માનું છું.