ગુજરાતના શહેરોમાં વેપારીઓનું સ્વૈચ્છિક લોકડાઉન? આટલો સમય ખુલ્લી રહેશે દુકાનો
ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધતો જતો હોવાથી રાજ્યમાં કોરોના સંક્રમિતનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સૌથી વધારે કેસો અમદાવાદ, સુરત અને રાજકોટમાં જોવા મળી રહ્યાં છે. ત્યારે કોરોનાના વધતા જતા સંકટ વચ્ચે રાજકોટ, સુરત, ઉપલેટા, પાલનપુર, પાટણ, દાહોદ, ધોરાજી, વેરાવળ, મોરબી જિલ્લાના ગામો સહિતના વેપારીઓએ સ્વૈચ્છીક રીતે દુકાનોનો સમય ઘટાડવાનો નિર્ણય લીધો છે. દુકાનદારોએ 31 જુલાઇ સુધી આ નિર્ણયનો અમલ કરવાનો નિર્ણય લીધો છે.
કોરોનાનું સંક્રમણ વધતા અનેક તાલુકામાં દુકાનદારો અને વેપારીઓએ સ્વૈચ્છીક નિર્ણય લીધો છે. આ નિર્ણયમાં વેપારીઓએ ધંધા-રોજગારનો સમય ઘટાડ્યો છે. જેમાં બાબરામાં 6 કલાક જ ઈલેક્ટ્રોનિક્સની દુકાનો ખુલવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય ઓલપાડમાં 31 જુલાઈ સુધી દુકાનો 5થી 6 સુધી બંધ, વડોદરા વેપાર વિકાસ એસો.ને લીધેલા નિર્ણય પ્રમાણે દુકાનો સવારે 9થી 6 ખુલ્લી રહેશે. પાટણમાં સવારે 7થી બપોરે 2 સુધી દુકાનો ખુલશે, જ્યારે દાહોદ APMC સવારે 7થી 2 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
રાજકોટ શહેરમાં પણ કોરોનાના વધતા જતા કેસોને લઇને શહેરના કેટલાક વેપારી સંગઠનોએ મહત્વનો નિર્ણય લીધો છે. પરા બજાર, મોચી બજાર, દાણા પીઠ, ગુમાનસિંહજી સેન્ટર સહિતના વેપારી સંગઠનોએ સવારે 8 થી સાંજે 5 સુધી જ દુકાનો ખુલી રાખવાનો નિર્ણય લીધો છે. આ ઉપરોક્ત તમામ વેપારી સંગઠનોએ સ્વૈચ્છિક લોક ડાઉનનો નિર્ણય લીધો છે. જે વેપારી આ બજારમાં દુકાન ખુલી રાખશે તેને પ્રથમવાર રૂ.500 અને ત્યારબાદ રૂ.1000નો દંડ એસોસિએશન ને ભરવો પડશે.
સુરત શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 7274 થઈ ગઈ છે. બુધવારે કોરોનાની સારવાર લઈ રહેલા વધુ 13 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આ સાથે શહેર જિલ્લામાં મૃતાંક 283 થઈ ગયો છે. બુધવારે વધુ 143 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 4352 વ્યક્તિઓ કોરોનાને માત આપી સાજા થયા છે.
સુરતના દુકાનદારો લેવાયેલા નિર્ણયમાં સ્ટેશનરી દુકાનો 9થી 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. જ્યારે મશીન ટુલ્સ, હાર્ડવેરની દુકાનો 6 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. જ્યારે બિલ્ડિંગ મટીરિયલ દુકાનો 4 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. આ સાથે હોલસેલ FMCG બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. જ્યારે સિરામીક દુકાનો, ઇલેક્ટ્રીક દુકાનો સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
ઉપલેટા મામલતદાર કચેરી ખાતે ઉપલેટા શહેર અને ગ્રામ્યમાં વધતી જતી કોરોના મહામારીની ચેઈન તોડવા માટે તા.7-7 થી તા. 20-7 સુધી તમામ વેપાર ધંધાના સમયમાં ફેરફાર કરવાનો સ્વૈચ્છિક નિર્ણય સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યો છે. જે આજે તા.7 જુલાઈ થી અમલમાં કરી દેવામાં આવેલ છે.
રાજ્યમાં કોરોનાના સંક્રમણના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે છેલ્લા કેટલાંક દિવસોથી સુરત શહેરમાં કોરોનાના પોઝિટિવ સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઇને તંત્ર પણ એકશન મોડમાં જોવા મળી રહ્યું છે. ત્યારે શહેરના વેપારીઓ દ્વારા કોરોના સંકટ વચ્ચે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.