કોરોનાને હરાવવા હવે NGO, ક્લબ અને સોસાયટીઓ દ્રારા રસીકરણ કેમ્પનું આયોજન
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરએ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. દિવસે ને દિવસે નવા રેકોર્ડ સ્થાપિત થતા જાય છે. દરરોજ કોરોના સંક્રમિતોનો આંકડો નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 2875 કોરોના કેસ નોંધાતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે બીજી તરફ પુરજોશમાં સતત રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. હવે આ રસીકરણના કાર્યક્રમમાં સોસાયટી, એનજીઓ અને સમુદાયો રસીકરણ માટે જાગૃતતા ફેલાવી કાર્યક્રમો યોજી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધી 7 કરોડથી વધુ લોકોએ વેક્સીન લગાવી છે.
રવિવારે એસએમ વેલનેસ ક્લિનિક નારણપુરા ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી લાયન્સ ક્લબ ઑફ અમદાવાદ બ્રિલિયન્સ અને યુનાઇટેડ ફિઝિયોથેરાપી એસોસિએશન દ્વારા કોરોના વેકસીનેશન કેમ્પ યોજાઈ ગયો, જેનો 200 જેટલા લોકોએ લાભ લીધો.
કેમ્પમાં પૂર્વ મેયર મીનાક્ષીબેન પટેલ અને લાયન્સ ક્લબના ગવર્નર નરેન્દ્રભાઈ પટેલ તથા એસએમવેલનેસ ક્લિનિકના ડૉ. જય ભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતાં અને અફવાઓ પર ધ્યાન ન આપીને વેકસીનેશન સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું તથા ભારત સરકારના નિયમો મુજબ સૌ કોઈને વેકસીન લેવા અપીલ કરી હતી.
શહેરના ગોદરેજ ગાર્ડન સીટી ક્લબ દ્વારા પણ સરકારના નિયમો મુજબ 45થી વધારે વયના લોકોએ વેક્સિનેશન માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેક્સિનેશન કેમ્પ અંતર્ગત પણ 300 લોકોએ વેક્સિન લીધી હતી. જેમાં જાણીતા લોકગાયક જીગરદાન ગઢવી, સ્થાનિક કોર્પોરેટર સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી અને તેઓએ લોકોને કોરોના અંગેની જાણકારી આપી હતી.સાથે વેક્સિનેશન પણ કેટલું જરૂરી છે તે અંગે પણ લોકો ને જાગૃત કર્યા હતા.