અમદાવાદની સોલા સિવિલે કોરોનાના દર્દી દીઠ 508 રૂપિયા ખર્ચ્યા RTIમાં દર્શાવ્યા માત્ર 96 રૂપિયા
કોરોનાકાળમાં માર્ચ 2020થી મે 2021 દરમિયાન અમદાવાદની પ્રમુખ ચાર હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓના ભોજન ખર્ચમાં ભારે વિસંગતતા જોવા મળી છે. સોલા સિવિલે એક દર્દી દીઠ ભોજન ખર્ચ રૂ.96 દર્શાવ્યો છે. પરંતુ કુલ 19,577 દર્દીઓનો ખર્ચ જોતા આ આંકડો રૂ.508 જેટલો થાય છે. આમ દર્દીઓ રૂ.96નું જમ્યા પણ હોસ્પિટલ દર્દી દીઠ રૂ.412 એટલે કે કુલ 80 લાખ રૂપિયા ઓહિયા કરી ગઈ હોવાનો આરટીઆઇમાં ઘટસ્ફોટ થયો છે. આટલું ઓછું હોય તેમ સોલા સિવિલમાં દર્દી દીઠ રૂ.96નો ભોજન ખર્ચ દર્શાવાયો છે તો બીજી તરફ એસવીપી હોસ્પિટલમાં દર્દી દીઠ ભોજન ખર્ચ રૂ.2996 જેટલો અધધ થયો છે. અમદાવાદમાં એસવીપી હોસ્પિટલ, સોલા સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલ એમ ચાર હોસ્પિટલે કોરોનાની સારવાર માટે દાખલ થયેલા કુલ 46,348 દર્દીને ચા-નાસ્તો, ભોજન માટે અંદાજે 6.70 કરોડનો ખર્ચ કર્યો હતો.
આરટીઆઇ હેઠળ ગ્રાહક સુરક્ષા કાર્યકર સુચિત્રા પાલે કરેલી અરજીના જવાબમાં આ માહિતી અપાઈ હતી. જો કે સોલા સિવિલ હોસ્પિટલને બાદ કરતા બાકીની ત્રણ હોસ્પિટલોએ દર્દી દીઠ થયેલા ભોજનખર્ચનો આંકડો આપ્યો નહોતો. સોલા સિવિલમાં 15 મહિનાના ગાળામાં 19,577એ સારવાર લીધી હતી અને તેમની પાછળ રૂ. 99,43,375 ખર્ચ કર્યાનું ખુદ હોસ્પિટલે કહ્યું છે. કોરોનામાં ઓછામાં ઓછા 7થી 10 દિવસ દર્દી હોસ્પિટલમાં રહ્યા હતા. આ જોતા સોલા સિવિલનો દર્દી દીઠ ભોજન ખર્ચનો રૂ.96નો આંકડો આશ્ચર્યજનક છે. કારણ કે આ આંકડા પ્રમાણે ગણતરી કરીએ તો સોલા સિવિલે દરેક દર્દીને દિવસ દીઠ માત્ર 9.6 રૂપિયાનું ભોજન આપ્યું હતું. એસવીપી હોસ્પિટલે આ 15 મહિનાના ગાળામાં કોરોના, હાર્ટ, તેમજ ટીબી સહિતની સારવાર માટે દાખલ થયેલા 18,356 દર્દી પાછળ કુલ રૂ. 5.5 કરોડનો ખર્ચ કર્યો હતો. આ ગણતરીએ હોસ્પિટલે દર્દી દીઠ ચા- નાસ્તો અને ભોજન પાછળ સરેરાશ રૂ 2,996 ખર્ચ કર્યો હતો. એલજી હોસ્પિટલે 6,435 દર્દી પાછળ કુલ રૂ. 18 લાખ ખર્ચ્યા હતા. જ્યારે શારદાબેન હોસ્પિટલે 1980 દર્દી પાછળ કુલ રૂ. 1.22 લાખ ખર્ચ કર્યો હતો. ચારેય હોસ્પિટલના મેન્યુમાં બહુ મોટો તફાવત ન હતો પરંતુ સરેરાશ ખર્ચના આંકડા વચ્ચે મોટું અંતર જોવા મળતું હતું. એસવીપી હોસ્પિટલે પ્રતિદર્દી સરેરાશ 2996 રૂપિયાનો ખર્ચ બતાવ્યો છે જ્યારે શારદાબેન હોસ્પિટલે સૌથી ઓછો પ્રતિ દર્દી સરેરાશ રૂ. 63 ખર્ચ બતાવ્યો છે. સોલા સિવિલનો પ્રતિદર્દી આ ખર્ચ રૂ. 508 છે જ્યારે એલજી હોસ્પિટલનો પ્રતિદર્દી આ ખર્ચ રૂ. 293 છે. ચારેય હોસ્પિટલે કુલ મળીને ચા નાસ્તા અને ભોજન પાછળ કુલ રૂ. 6.69 કરોડનો ખર્ચ કર્યો હતો. આમ ચારેયના મળીને કુલ 46,348 દર્દીઓની ત્રિરાશી મુજબ પ્રતિ દર્દી રૂ. 1445નો ખર્ચ થયો કહેવાય.આશ્ચર્યની વાત એ છે કે અમદાવાદની ચારેય હોસ્પિટલોના મેન્યુમાં સામેલ કરાયેલી વાનગીઓમાં ખાસ મોટો તફાવત નથી પણ બિલમાં મોટો હજારો રૂપિયાનો તફાવત છે.