રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 17 માર્ચ 2020 (14:17 IST)

કોરોના વાયરસનું ગુજરાતના પ્રવાસન સ્થળો 'ગ્રહણ', મહત્વના પ્રવાસનો કરાયા બંધ

ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોરોના વાયરસના અત્યાર સુધી 123 કેસો પોઝીટિવ કેસો સામે આવ્યા છે. આ દરમિયાન ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય તેમજ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સૂચનાથી રાજ્યના વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સાસણ-ગીર અભયારણ્ય અને દેવળિયા ગીર સિંહદર્શન 17 માર્ચથી 29 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
 
ગુજરાત સરકારે જાહેર કરેલા પરિપત્ર મુજબ ગીર અભ્યારણ સહિત રાજ્યના તમામ નેશનલ પાર્ક અને અભ્યારણ આગામી 17 થી 29 માર્ચ સુધી બંધ રહેશે. આ ઉપરાંત ધારી પાસે આવેલ આંબરડી સફારી પાર્ક, જૂનાગઢનો સક્કરબાગ, ભાવનગરના વેળાવદરમાં આવેલું રાષ્ટ્રીય કાળિયા ઉધાન, કેવડીયાનો સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક, દેવળીયા સફારી પાર્ક તેમજ આંબરડી સફારી પાર્ક પણ તાત્કાલિક પ્રભાવથી બંધ રહેશે. અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ સહિત કાંકરિયા ઝુ આગામી 29 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યા છે.
 
અત્રે નોંધનીય છે કે કોરોના વાઇરસ ને લઈ સ્ટેચ્યુ ઓફ યુનીટીની ટિકિટ ઓનલાઈન બંધ કરવામાં આવી છે પરંતુ વ્યુઈંગ ગેલેરીની ટિકિટ જેમણે ઓન લાઈન કરાવી તેમને વ્યુઈંગ ગેલેરી જોવા મળશે. 
 
કોરોના વાઇરસની સામે સાવચેતી અને તકેદારીના પગલારૂપે રવિવારે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરીને રાજ્યભરમાં શાળા, કોલેજ, સિનેમા ઘર, મોલ, સ્વિમિંગ પુલ બંધ રાખવા અનુરોધ કર્યો છે. સાથે જ ધાર્મિક સંસ્થાઓ, સંપ્રદાયોને પોતાના મેળાવડાઓ, ધાર્મિક કાર્યક્રમો પણ આગામી બે સપ્તાહ સુધી ન યોજવા સરકારે અનુરોધ કર્યો હતો.
 
ત્યારે આજે વહેલી સવારથી અંબાજી મંદિરના 7, 8 અને 9 નંબર ગેટ યાત્રિકો માટે બંદ કરવામાં આવ્યા છે. યાત્રીકોને  શક્તિદ્વારથી પ્રવેશ આપવામાં આવ્યો હતો. માઈ ભક્તો અંબાજી મંદિર ખાતે માત્ર એક ગેટથી જ પ્રવેશ કરી શકશે. મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં હાથ ધોવડાવવામાં આવે છે. આ ઉપરાંત જી આઇ એસ ના ગાર્ડ સહિત મોઢા પર માસ્ક પહેરીને ફરજ બજાવતા જોવા મળ્યા હતા. 
 
આ ઉપરાંત કોરોના વાયરસને કારણે અનેક ધાર્મિક પ્રોગ્રામ થયા રદ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ જૈન વિઝન દ્વારા મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવ કાર્યકમ રદ કરવામાં આવ્યો છે તો બીજી તરફ કોરોના વાઇરસના પગલે લોકોની સુરક્ષાને ધ્યાને લઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા મહત્વનો નિર્ણય લઈને 31 માર્ચ સુધી યોજાનારા ધાર્મિક કાર્યક્રમો સ્થગિત કરી દેવામાં આવ્યા છે. મંદિરે બહોળી સંખ્યામાં ભક્તો એકત્રિત ન થાય તેવી પણ અપીલ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા કરવામાં આવી છે. રાજપીપલામાં ચૈત્રી નવરાત્રીમાં ભરાતો કાલિકા માતાનો મેળો બંધ રાખવામાં આવશે. આગામી 24 તારીખથી ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થશે. જોકે ભક્તો માટે મંદિર ખુલ્લું રહશે. 
 
અનેક હોલના બુકિંગ રદ, લગ્ન પ્રસંગો અટવાયા
કોરોના વાઇરસને લઈ રાજ્ય સરકારે ૨૯ માર્ચ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ, શાળા અને કોલેજો બંધ રાખવા તેમજ જાહેર મેળાવડા ન યોજવા અપીલ કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મ્યુનિ. હોલ અને પાર્ટીપ્લોટ, ટાઉન હોલ અને ટાગોર હોલના બુકિંગ રદ કરી દીધાં છે. જેના પગલે અનેક લોકોના લગ્ન પ્રસંગો અટવાઈ પડ્‌યા છે. ૧૬ માર્ચથી ૨૯ માર્ચ સુધી હોલ, પિકનિક હાઉસ, પાર્ટીપ્લોટ બુકિંગ કરાવનારા લોકોને ૧૦૦ ટકા રિફંડ આપવામાં આવશે.
 
કોરોના વાઇરસના અગમચેતીના ભાગરૂપે સરકારે કરેલા નિર્ણય બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ મ્યુનિ. પાર્ટી પ્લોટ, હોલ , ટાઉન હોલ અને ટાગોર હોલમાં યોજાનારા કાર્યક્રમોના બુકિંગને રદ કરી દીધાં છે. શહેરના ૨૫થી વધુ મ્યુનિ હોલ. પાર્ટી પ્લોટમાં આજે નોટિસ લગાવવામાં આવશે. જેને પણ બુકિંગ કર્યા છે તે લોકોને ઝોનલ ઓફિસથી ૧૦૦ ટકા રિફંડ મળી જશે. જો કે બુકીંગો રદ થતાં અનેક અમદાવાદીઓના લગ્ન પ્રસંગ અટવાઈ પડ્‌યા છે અને સમારંભો રદ કર્યા છે.