વડોદરામાં કોરોનામુક્ત 10 ટકા દર્દીઓના પેટમાં ચાંદાં-લોહી પડવાની ફરિયાદો વધી
કોરોનાની સારવાર દરમિયાન દવા સાથે અપાતા સ્ટિરોઇડની આડઅસર હવે વડોદરાના દર્દીઓના પેટમાં પણ જોવા મળી રહી છે. કોરોનામુક્ત થયા પછી પેટમાં ચાંદા, હોજરી-આંતરડામાં કાણાં કે લોહી પડવા જેવી ફરિયાદો સાથે મોટી સંખ્યામાં લોકો પેટના રોગોના નિષ્ણાત ગેસ્ટ્રોલોજિસ્ટ પાસે સારવાર માટે આવી રહ્યાં છે. કેટલાક દર્દીઓમાં ગભરામણ અને ઊલટી બાદ અન્ય લક્ષણો શરૂ થાય છે.
નિષ્ણાતોના મતે કોરોનાની સારવાર દરમિયાન અપાયેલા સ્ટિરોઇડ્સના સંખ્યાબંધ ડોઝ મુખ્ય કારણ છે. ચોંકાવનારી બાબતો આ દર્દીઓની પૂછપરછમાં એ પણ બહાર આવી છે કે, કોરોનાને હંફાવી ચૂકેલા શહેરીજનો પૈકીના ઘણા લોકો લોહી પાતળું થવાની દવાઓ તબીબી સલાહ વિના જાતે જ આડેધડ લે છે. શરૂઆતમાં તેમને રાહત જેવું લાગે છે પણ આશા ગણતરીના દિવસોમાં જ ઠગારી નિવડે છે. તેમને જ્યારે એવી જાણ થાય છે કે, આમ કરીને હોજરી-આંતરડાને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે ત્યાં સુધીમાં રોગ ભારે વકરી ચૂક્યો હોય છે. ઘણા કિસ્સામાં તે જીવલેણ પણ પુરવાર થાય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ કોરોનામુક્ત થયા બાદ 7થી 10 ટકા દર્દીમાં આવી તકલીફો જોવા મળી રહી છે. આ પૈકીના મોટા ભાગના લોકો કોરોના મટ્યા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવી લીધા પછી હોસ્પિટલના તબીબની વિઝિટ માટે નહોતા જતા કે તબીબોએ સૂચવેલા રિપોર્ટ કઢાવવાની તસ્દી લેતા હતા. આવું કરતાં જો સ્થિતિ ગંભીર થઇ જાય તો વ્યક્તિ અને તેના પરિવારને ખૂબ જ મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. કોરોના મટ્યા બાદ તબીબોની દેખરેખ હેઠળ જ દવાઓ લેવી જોઇએ, નિયમિત જરૂરી રિપોર્ટ્સ કઢાવવાની નિષ્ણાતો સલાહ આપે છે. લોહી પાતળું કરવાની દવાઓના વધુ પડતા ડોઝની અસરથી જૂની ટાયર ટ્યૂબની જેમ આંતરડાની દીવાલો પણ સહેજ ફૂલી જાય છે. આ ભાગ નબળો હોય છે અને ત્યાંથી લોહી પડવાનું શરૂ થઇ જાય છે. જો આ બાબતે દર્દી ગાફેલ રહે તો પેપ્ટિક અલ્સર થયા બાદ દર્દીનું મોત પણ થઇ શકે છે. આ ઉપરાંત આવા દર્દીઓમાં યકૃતમાં પણ બિનજરૂરી રસાયણો વધી જતાં સોજો આવે છે. એટલું જ નહીં લીવર ફેલ્યોરની શક્યતાઓ પણ વધી જાય છે. પ્લેટલેટ, ડી ડાઇમર સહિતના ટેસ્ટ ઉપરાંત પેટના ભાગનો સિટીસ્કેન એન્જિયોગ્રાફી સાથે કરાવવો જોઇએ. જો અગાઉ કોઇ બીમારી ન હોય પણ કોરોના બાદ પેટ ફૂલી જવું, ઝાડા (કેટલાક કિસ્સામાં લીલા રંગના) થવા, ઉબકા આવવા જેવાં લક્ષણો જણાય તો તબીબનો સંપર્ક સાધી એન્ડોસ્કોપી અને લોહીના રિપોર્ટ કઢાવી લેવા જોઈએ. હૃદયરોગના દર્દીઓ, કાર્ડિયાક ડ્રગ્સ ચાલુ હોય તેવા લોકોએ વિશેષ સાવચેતી રાખવી જોઇએ.