રાજ્યમાં કોરોના મહામારીને કારણે 794 બાળકો નિરાધાર બન્યા,3 હજારથી વધુ બાળકોએ મા અથવા બાપની છત્રછાયા ગુમાવી
કોરોના મહામારીમાં માતા પિતા ગુમાવનાર બાળકો માટે ગુજરાત સરકારે યોજના શરૂ કરી છે. જેનો આગામી સોમવારથી મુખ્યમંત્રી રૂપાણી પ્રારંભ કરાવશે. રાજ્યમાં મહામારીમાં 794 બાળકો માતા અને પિતા બંને ગુમાવી અનાથ બન્યા છે. બીજી તરફ ત્રણ હજારથી વધુ બાળકો મા અથવા બાપની છત્રછાયા ગુમાવી છે. રાજ્યમાં નિરાધાર બનેલા આ બાળકોમાં 220 બાળકો 10 વર્ષથી નાની અને 574 બાળકો 10 વર્ષથી 18 વર્ષની ઉંમરના છે. જ્યારે એક વાલીવાળા 1377 બાળકો 10 વર્ષથી નાના અને 1729 બાળકો 10થી 18 વર્ષની વયના છે.
જે બાળકે કોરોના અગાઉ એક વાલી ગુમાવ્યા હોય અને કોરોનામાં અન્ય વાલીનું મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં પણ આ યોજનાનો લાભ અપાશે. અનાથ બાળકના કિસ્સામાં તેની જવાબદારી લેનાર વ્યક્તિના અલગ નવા બેન્ક એકાઉન્ટમાં દર મહિને ડીબીટી દ્વારા રૂ. 4 હજાર જમા થશે અને 10 વર્ષ બાદ બાળકના નામે ખાતું ખોલાવી તેમાં સહાય જમા કરાશે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં નવા આવેલા અધિક મુખ્ય સચિવ સુનયના તોમર દ્વારા આ નવી યોજનાના અમલીકરણ માટે સમીક્ષા બેઠક યોજાઈ ચૂકી છે અને હવે ચોથી જુલાઈએ કાર્યક્રમ યોજી મુખ્યમંત્રીના હસ્તે યોજનાનું લોન્ચિંગ થશે, એમ જણાવાઈ રહ્યું છે. જે કુલ 3900 બાળકો છે તેમને દર મહિને રૂ. 30.40 લાખ ચુકવાશે. મુખ્યમંત્રી રૂપાણીએ આજે જાહેર કરેલી આ યોજનામાં કોરોનાથી નિરાધાર થયેલા બાળકોને તેમની ઉંમર 18 વર્ષની થાય ત્યાં સુધી દર મહિને બાળક દીઠ ચાર હજારની માસિક સહાયતા આપશે. તે ઉપરાંત 18 વર્ષ પૂર્ણ કર્યાં હોય અને તેમના માતા પિતા મૃત્યુ પામ્યા હોય તો એમને પણ ધ્યાનમાં રાખીને આફ્ટર કેર યોજના અંતર્ગત તેમને 21 વર્ષની ઉંમર સુધી અને એવી જ રીતે 21 વર્ષથી 24 વર્ષ સુધી આ આફ્ટર કેર યોજનામાં પણ જે લોકો જોડાયેલા હશે એ બાળકોને 6 હજાર રૂપિયા માસિક આપવામાં આવશે. જે બાળકોને વિદેશમાં ભણવા જવાનું થશે તેમને કોઈપણ જાતની આવકની મર્યાદામાંથી મુક્તિ આપવામા આવશે.
આવનારા દિવસોમાં એ બાળકોને રાજ્ય સરકારની વિદેશની લોનની જે યોજના છે એમાં પણ અગ્રતાક્રમ આપવામાં આવશે. મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાં જે બાળકો સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં ઉચ્ચ અભ્યાસ કરતા હશે તે બાળકોને અગ્રતા ક્રમ આપવામાં આવશે. જેમાં કોઈ પણ આવકની મર્યાદા રાખવામા આવશે નહીં. આ પ્રકારની યોજનામાં રાજ્ય સરકાર 50 ટકા ફી માફી આપે છે. તે ઉપરાંત બાળકોને સરકારની MYSY યોજનાનો લાભ પણ મળશે.