Gujarat Corona Update - કોરોના કેસની ઘાતક શરૂઆત, 24 કલાકમાં નોંધાયા 11176 નવા કેસ, 5 ના મોત
રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 8 મહિના બાદ પહેલીવાર 11 હજારથી વધુ નવા કેસ આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 11,176 કોરોનાના કેસ નોંધાયા છે, તો 5 દર્દીના મોત થયા છે. તો કોરોનાને માત આપીને આજે કુલ 4285 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 50612 પહોંચી ગઇ છે. હાલ ગુજરાતમાં કુલ 64 દર્દીઓ વેન્ટિલેટર પર છે, બાકીના તમામ સ્ટેબલ છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 96 હજાર 894ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 142 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 36 હજાર 140 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 50 હજાર 612 એક્ટિવ કેસ છે, જેમાંથી 64 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 50 હજાર 548 દર્દીની હાલત સ્થિર છે.
ગઇકાલે 24 કલાકમાં 9941 કેસ નોંધાયા હતા. સૌથી વધુ અમદાવાદમાં 3904 કેસ સામે આવ્યા હતા, જ્યારે સુરતમાં 2770 કેસ તો વડોદરામાં 862 કેસ અને રાજકોટમાં 375 કેસ સામે આવ્યા હતા. જ્યારે ગાંધીનગરમાં 244 કેસ, ભાવનગરમાં 156 કેસ સામે આવતા તંત્ર સતર્ક બની ગયું છે. કોરોનાને કારણે લાંબા સમય બાદ 4 દર્દીઓના મોત થયા હતા. રાજ્યમાં 3,449 દર્દીઓ કોરોનાને માત આપી હેમખેમ ઘેર પરત ફર્યા છે. જ્યારે 51 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 43726 પર પહોંચી ગઈ છે. ગઇકાલે ઓમિક્રૉનનો એક પણ કેસ નોંધાયો નથી.