રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા NSUI પર હુમલાના વિરૂધ્ધમાં વિરોધ પ્રદર્શન
આજે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં ધરણા કરીને કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. સુરત ખાતે પરેશ ધાનાણી વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. ગઈકાલે અમદાવાદમાં નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના કાર્યકરો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) પાલડી પહોંચે તે પહેલા જ ABVPના વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હતો. જેમાં ABVPના કાર્યકરો લાકડીઓ, પાઈપો લઈ NSUIના કાર્યકરો પર તૂટી પડતા ઘર્ષણ થયું હતું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, હુમલો સરકારના સમર્થનથી રચાયેલું પૂર્વયોજિત કાવતરું હતું. દિલ્હીની પેટર્નથી કાર્યકરોને મારવામાં આવ્યા. ઘટના સ્થળે પોલીસ હાજર હતી તો આવા હથિયારો ક્યાંથી આવ્યા તેની તપાસ થાય. રાજ્યભરમાં દેખાવો કરીશું. આજે રાજકોટના ત્રિકોણબાગ ખાતે રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાન તેમજ એનએસયુઆઇ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો સાથે જ એબીવીપી વિરુધ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી તો સાથે જ એન.એસ.યુ.આઇ.ના કાર્યકર્તાઓ પર જે હિચકારો હુમલો થયો છે તેની તટસ્થ તપાસની માંગ પણ કરી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ ત્યાગીએ સુરતમાં જણાવ્યું હતું કે, જે રીતે એબીવીપી દ્વારા એનએસયુઆઈ પર હુમલા કરવામાં આવી રહ્યા છે તેને જોતા એબીવીપીનું નામ બદલીને અખિલ ભારતીય ગુંડા પરિષદ કરી દેવું જોઈએ. ત્યાગીએ અમદાવાથી લઈને જેએનયુમાં એનએસયુઆઈના કાર્યકરો પર થયેલા હુમલાની નિંદા કરતાં જણાવ્યું હતું કે, દેશમાં ગાંધીજીનું મહત્વ છે. ગાઁધી અને સનાતનની પરંપરાવાળા દેશમાં ભાજપ અને આરએસએસનું કામ જોઈને તેના ડીએનએમાં કંઈક ખોટ હોય તેવું લાગી રહ્યું છે. ભરૂચમાં જે.પી. અને એમ.કે.કોલેજની બહાર એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ટ્રાફિક જામનો પ્રયાસ કરતા યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇના 15થી 20 જેટલા આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.