પેટ્રોલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ સાઇકલ લઇ વિધાનસભા પહોચ્યાં
પેટ્રોલ-ડિઝલના ભાવ બુધવારે 9મા દિવસે 8મી વખત વધ્યા છે. બુધવારે પેટ્રોલ-ડિઝલમાં 80-80 પૈસા વધ્યા છે. પેટાચૂંટણી પછી 4 નવેમ્બર 2022ના રોજ કેન્દ્રએ પેટ્રોલ પર લિટરે 5 રૂપિયાનો ઘટાડો કરીને જે રાહત આપી હતી એની અસર હવે સમાપ્ત થઈ ગઈ છે. 9 દિવસમાં પેટ્રોલ 5.60 રૂપિયા મોંઘું થયું છે.
ગુજરાતમાં પણ પેટ્રોલ 100 રૂપિયાના ભાવને આંબી ગયું છે.કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દિન શેખ આજે પેટ્રોલના ભાવવધારા અંગેનું બોર્ડ છાતીએ લગાવી સાયકલ લઈને વિધાનસભા પહોંચ્યાં હતાં. માર્ચમાં યુપી સહિત 5 રાજ્યમાં ચૂંટણી થઈ હતી. નવેમ્બરથી માર્ચ સુધી ક્રૂડના ભાવ 72.6 ટકા સુધી ઊછળ્યા હતા. જોકે ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડિઝલના ભાવ વધાર્યા નથી. 10 માર્ચે આવેલાં ચૂંટણી પરિણામો ભાજપ માટે સારા રહ્યાં. એના 12 દિવસ પછી ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ.
બીજી તરફ બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટી રહ્યા છે. મંગળવારે બ્રેન્ટ ક્રૂડ 6.79 ટકા ઘટાડા સાથે 104.84 ડોલર/બેરલ રહ્યું. એ ઉચ્ચતમ સ્તરથી 31 ટકા ઓછા છે.ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ કહ્યું હતું કે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધારા પાછળ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. ગુજરાતના પેટ્રોલ પંપ રોજનું 2.66 કરોડ લિટર પેટ્રોલ અને ડીઝલ ખરીદે છે. ભાવ વધવા છતાં ઈંધણના વેચાણમાં કોઈ અસર હજુ સુધી આવી નથી.