પરપ્રાંતીય દિકરીઓના હાથે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કર્યા પારણા
કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં પરપ્રાંતીયો પર થયેલા હુમલાના વિરોધમાં એક દિવસના ઉપવાસ પર બેઠેલા અલ્પેશ ઠાકોરે પારણા કરી લીધા છે. અલ્પેશ ઠાકોરે પરપ્રાંતીય દિકરીઓના હાથે પારણા કર્યાં છે. અલ્પેશને સમર્થન આપવા માટે કોંગ્રેસના અનેક નેતાઓ હાજર રહ્યાં હતા. આ દરમિયાન વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના સંબોધનમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર પરપ્રાંતીય પર થઈ રહેલા હુમલાના વિરોધમાં આજથી સદભાવના ઉપવાસ પર બેસવાના છે. ત્યારે ઉપવાસ પર બેસતા પહેલા અલ્પેશ ઠાકોરે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં અલ્પેશ ઠાકોરે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સિવાય અલ્પેશ ઠાકોર સહિતના લોકોએ ગાંધી આશ્રમ ખાતે રામધુન બોલાવી હતી.
નોંધનીય છે કે 28 સપ્ટેમ્બરના રોજ હિંમતનગરના ઢુંઢેરમાં 14 મહિનાની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે બિહારના રહેવાસી રવિન્દ્ર સાહુ નામની એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જે બાળકીનો બળાત્કાર થયો હતો તે ઠાકોર સમુદાયની હતી. આ ઘટનાને લઇને ઠાકોર સમુદાયમાં ભારે નારાજગી છે પરંતુ કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ કર્યું હતું કે લોકો પર હુમલા કોઇએ ઘડેલા કાવતરાનું પરિણામ છે.