ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 15 ફેબ્રુઆરી 2020 (15:46 IST)

શું અર્જુન મોઢવાડિયાએ શક્તિસિંહ ગોહિલ પર તીર તાક્યું? એક ટ્વિટ થી હાહાકાર

ફરી એક વખત ગુજરાત કોંગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. આ વિવાદનું કારણ બન્યાં છે, ગુજરાત કોગ્રેસના જૂના જોગી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ એવા અર્જુન મોઢવાડિયા. જો કે, હાલ અર્જુન મોઢવાડિયા ગુજરાતની રાજનીતિમાં લગભગ લુપ્ત જોવામાં આવી રહ્યા છે. હાંસિયામાં ધકેલાઈ ગયેલા અર્જુન મોઢવાડિયાએ 13 ફેબ્રુઆરીએ એક ટ્વિટ કરી અને જૂના વિવાદની આગને નવી હવા આપી છે. અર્જુન મોઢવાડિયાનાં વિદ્વાન નેતાઓ વિશેનાં છોડેલમાં આવેલા ટ્વીટર બાણથી હાહાકાર જોવામાં આવી રહ્યો છે.

પૂર્વ પ્રદેશ પ્રમુખ એવા અર્જુન મોઢવાડિયા ટ્વિટ કર્યુ કે,” કેટલાક વિદ્વાન નેતાઓ દિલ્હીમાં સલાહકાર બની બેઠા છે. આવા વિદ્વાનો ગામ, જિલ્લા કે રાજ્ય સ્તરે જનાધાર ધરાવતા નથી.” સાથે જ તેમણે પાર્ટીને ઉદ્દેશીને કહ્યું કે, કોંગ્રેસે આવા નેતાઓ પાસે કાર્યકર તરીકે કામ કરાવવું જોઈએ. મોઢવાડિયાના આ ટ્વિટનું નિશાન ગુજરાતનાં જ જૂના જોગી શક્તિસિંંહ ગોહિલ હોવાનું રાજકીય વર્તુળોમાંથી જાણવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલ શક્તિસિંહને કોંગ્રેસની શિર્ષનેતાગીરી દ્વારા બિહાર કોંગ્રેસનો હવાલો સોંપવામાં આવ્યો હતો, તો એક દિવસ પહેલા શક્તિસિંહને દિલ્હીના કાર્યકારી પ્રભારી બનાવાયા છે. આપને જણાવી દઇએ કે, દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસની નાલેશી ભરી હાર થવાનાં કારણે દિલ્હી કોંગ્રેસનાં નેતા ચાકો દ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષા દ્વારા ચાકોનું રાજીનામુ સ્વીકારી તેના સ્થાને શક્તિસિંહને કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

અર્જુન મોઢવાડિયા ટ્વિટને શક્તિસિંહની નિયુક્તિ સાથે જોડાઈને જોવાઈ રહ્યું છે. મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલ વચ્ચેના ખાટા સંબંધો આજકાલના નથી. જે સમયે બન્ને નેતાઓ ગુજરાત કોંગ્રેસમાં વર્ચસ્વ ધરાવતા હતા, ત્યારે પણ એક ટીમ તરીકે નહીં પણ પ્રતિદ્વંદ્વી તરીકે કામ કરતા હોય તેવુ પ્રતિત થતુ હતું. જો કે હાલ બન્ને વચ્ચે કોઈ સ્પર્ધા તો નથી. પણ મોઢવાડિયાએ આ ટ્વિટથી શાંત થઈ ગયેલી જૂની દુશ્મનીને તાજી કરી છે. અને પોતે પણ હંસિયામાંથી બહાર આવવાની સીડી શોધી હોવાનુ રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.