સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 2 ઑક્ટોબર 2020 (10:38 IST)

મુખ્યમંત્રી પોરબંદરના કીર્તિમંદિરની પ્રાર્થના સભામાં વિડીયો જોડાઇ પૂજ્યબાપુને ભાવાંજલિ આપશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે શુક્રવારે તા. ૨ ઓક્ટોબરે પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૧મી જન્મ જયંતીએ કીર્તિ મંદિર પોરબંદરમાં સવારે આઠ વાગ્યે યોજાનારી સર્વધર્મ પ્રાર્થના સભામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગરથી સહભાગી થઈ પૂજ્ય બાપુને  ભાવાંજલિ આપશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વચ્છતા અને ગ્રામોત્થાનના વિચારોને  સાકાર કરતા બે મહત્વપૂર્ણ કાર્યક્રમો પણ આવતીકાલે મુખ્યમંત્રીવિજય રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાવાના છે.
 
તદ્દનુસાર, રાજ્યના પાણી પુરવઠા વિભાગ દ્વારા ગાંધી જન્મભૂમિ પોરબંદર સહિત રાજ્યના ચાર જિલ્લા આણંદ, મહેસાણા અને ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારોમાં જલ જીવન મિશન અન્વયે ‘નલ સે જલ’ કાર્યક્રમમાં ૧૦૦ ટકા ઘરોને નળથી શુદ્ધ પાણી પહોંચાડવાની મહત્વાકાંક્ષી યોજનાનો શુભારંભ સવારે ૯.૩૦ કલાકે મુખ્યમંત્રી વિડિયો કોન્ફરન્સથી કરાવશે.
 
મુખ્યમંત્રી સવારે ૧૦.૩૦ કલાકે મહિલા, બાળ કલ્યાણ વિભાગ આયોજીત  બહુવિધ વિકાસ અવસરમાં બાયસેગ સેટેલાઈટ પ્રસારણ માધ્યમથી જોડાશે. વિજય રૂપાણી આ કાર્યક્રમો અંતર્ગત ૮૩૫ જેટલી આંગણવાડી અને બ્લોક કચેરીઓના ઈ-લોકાર્પણ ભૂમિપૂજન સંપન્ન કરશે. સમગ્ર રાજ્યમાં ૨૪ સ્થળોએ યોજાનારા આ કાર્યક્રમમાં પાંચ લાખથી વધુ નારી શક્તિ-માતા-બહેનો એકસાથે હેન્ડ વોશ કરીને પૂજ્ય બાપુના સ્વચ્છતાના સંકલ્પને પાર પાડશે.જિલ્લા કક્ષાએ યોજાનાર આ સમૂહ હેન્ડવોશીંગના અભિનવ પ્રયોગમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, પદાધિકારીઓ પણ  સંબંધિત સ્થળે ઉપસ્થિત રહેવાના છે.
 
મહિલા બાળ કલ્યાણ વિભાગના ઉપક્રમે માતા યશોદા એવોર્ડ માટે પસંદ થયેલી શ્રેષ્ઠ આંગણવાડી તેડાગર અને કાર્યકર બહેનોને રાજ્યકક્ષાએ મુખ્યમંત્રી અને જિલ્લામાં મંત્રીઓ આ એવોર્ડ અર્પણ કરશે. વિજય રૂપાણી રાજ્યમાં નંદઘર ખાતે ભૂલકાંઓને અપાતી માળખાકીય સુવિધા, પીવાનું પાણી, શૌચાલય, વગેરેના ટ્રેકીંગ, મોનિટરીંગ માટેની NITA એપનું અને ડેશબોર્ડનું ઇ-લોન્ચીંગ પણ આ કાર્યક્રમો દરમિયાન કરવાના છે. મુખ્યમંત્રી આ કાર્યક્રમ બાદ સવારે ૧૧.૧૫ કલાકે યોજાનારા અન્ય એક કાર્યક્રમમાં પોસ્ટ વિભાગ દ્વારા મહાત્મા ગાંધી જન્મજયંતિ ઉપલક્ષ્યમાં તૈયાર કરવામાં આવેલા વિશેષ ટપાલ કવરનું અનાવરણ ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી કરશે.