રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 જૂન 2022 (11:50 IST)

મુખ્યમંત્રએ ૧૭માં શાળા પ્રવેશોત્સવનો રાજયવ્યાપી શુભારંભ કરાવ્યો, ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો

"ગુજરાતમાં 20 વર્ષમાં ડ્રોપઆઉટ રેટમાં 91.89 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે" - મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ગુજરાત સરકાર દ્વારા આવતીકાલથી આગામી ત્રણ દિવસ એટલે કે 23, 24 અને 25 જૂનથી તેના 17મા શાળા પ્રવેશોત્સવની શરુઆત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમની શરૂઆત બનાસકાંઠાના વડગામ તાલુકાની મહમદપુરા પ્રાથમિક શાળાથી કરી હતી. બીજા દિવસે મુખ્યમંત્રી તાપી જિલ્લાના નિઝર તાલુકાની રુમકિતલાવ પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ કરાવશે અને કાર્યક્રમના અંતિમ દિવસે મુખ્યમંત્રી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેમનગર પ્રાથમિક શાળાની મુલાકાત લઈને બાળકોને પ્રવેશ કરાવશે. મહત્વપુર્ણ છે કે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી (વર્ષ 2020-21અને 2021-22) આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું અને વર્ષ (2019-20)માં ચક્રવાતને કારણે આ કાર્યક્રમનું આયોજન થઈ શક્યું ન હતું. 
 
18 હજાર ગામોની 32,013 સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ 2.0નું આયોજન કરવામાં આવશે 
રાજ્યના 18,000 ગામોની 32,013 પ્રાથમિક શાળાઓમાં 17માં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવશે. મુખ્યમંત્રીથી લઈને મંત્રીમંડળના તમામ મંત્રીઓ,સાંસદો,ધારાસભ્યો, રાજ્ય સરકારના તમામ IAS-IPS-વરિષ્ઠ અધિકારીઓ વગેરે ત્રણ દિવસ (23, 24, 25 જૂન, 2022) શાળાઓની મુલાકાત લેશે અને ધોરણ એકના બાળકોને શાળા પ્રવેશ કરાવશે. આ ત્રણ દિવસો દરમિયાન તેઓ દરરોજ ત્રણ શાળાઓની મુલાકાત લેશે અને વાલીઓ,સમુદાયો અને શાળાઓને બાળકોની નોંધણી માટે પ્રેરિત કરશે. આ દરમિયાન, દર ત્રીજી શાળામાં ક્લસ્ટરના રૂપમાં દરરોજ કાર્યક્રમની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે અને 24 જૂને, બ્લોક હેડક્વાર્ટર ખાતે બ્લોક સ્તરની સમીક્ષા કરવામાં આવશે. 
 
"ગુજરાતમાં 20 વર્ષમાં ડ્રોપઆઉટ રેટમાં 91.89 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે" - મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 
શાળા પ્રવેશોત્સવની અત્યાર સુધીની સફળતા અંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના કારણે ડ્રોપઆઉટ રેટમાં 91.89 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં ડ્રોપ આઉટ રેટ વર્ષ 2002માં 37.22% હતો, જે વર્ષ 2022માં ઘટીને માત્ર 3.07% પર આવી ગયો છે. 
 
રાજ્યના દરેક બાળકને શિક્ષણ મળે એ અમારી પ્રાથમિકતા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2003માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ અનોખા કાર્યક્રમની શરૂઆત કરી હતી. અમને એ વાતનો ગર્વ છે કે ગુજરાત એકમાત્ર રાજ્ય છે જે દર વર્ષે આવા અનોખા કાર્યક્રમનું આયોજન કરે છે અને બાળકો સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવેતે સુનિશ્ચિત કરે છે.” 
 
"પ્રાથમિક વર્ગોમાં 100% બાળકોની નોંધણી એ અમારું લક્ષ્ય છે" -શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી 
ગુજરાતની પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા અને આ કાર્યક્રમની વિશેષતાઓ વિશે વાત કરતાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, “ગુજરાતના દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે જ અમારુ લક્ષ્ય છે. પ્રાથમિક શાળાઓમાં ભણવા આવતા આ બાળકો આપણા રાજ્ય અને દેશનું ભવિષ્ય છે. તેથી, એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે પોતાના સ્તરે સુનિશ્ચિત કરવાની આપણા સૌની સામૂહિક જવાબદારી છે. રાજ્ય સરકારનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અત્યાર સુધી સંપૂર્ણ રીતે સફળ સાબિત થયો છે. આ વખતે અમારું લક્ષ્ય 100% પ્રવેશયોગ્ય બાળકોની નોંધણી કરવાનું છે." 
 
ઉલ્લેખનીય છે કે ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પ્રવેશોત્સવના પહેલા દિવસે (23 જૂન) મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાની મુલાકાત લેશે અને ત્યાંની ત્રણ શાળાઓમાં બાળકોને પ્રવેશ કરાવશે. સાથે જ, તેઓ અનુક્રમે 24 અને 25 જૂને આણંદ જિલ્લાના ઉમરેડ તાલુકાની ત્રણ શાળાઓ અને નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની ત્રણ પ્રાથમિક શાળાઓની મુલાકાત લેશે અને ત્યાંના બાળકોને પ્રાથમિક વર્ગોમાં પ્રવેશ કરાવશે. 
 
જન્મ નોંધણીનો ડેટાબેઝ અને ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમને પહેલી વાર એકીકૃત કરવામાં આવશે 
ગુજરાત સરકાર 17માં શાળા પ્રવેશોત્સવમાં 100% પ્રવેશયોગ્ય બાળકોની નોંધણી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગના જન્મ નોંધણી ડેટા અને વિદ્યા સમીક્ષા કેન્દ્રની ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમને એકીકૃત કરવામાં આવશે. આમ કરવાથી રાજ્ય સરકાર જોઈ શકશે કે રાજ્યમાં કેટલા બાળકોનો જન્મ થયો છે અને તેમાંથી કેટલા પ્રવેશયોગ્ય બાળકોએ શાળામાં પ્રવેશ લીધો છે. 
 
આ વખતે રાજ્ય સરકાર 2 થી 8ના વર્ગોમાંથી છેલ્લા કેટલાક વર્ષોમાં વચ્ચેથી જ અભ્યાસ છોડી દેનારા બાળકોને યોગ્ય વર્ગોમાં ફરીથી શાળામાં દાખલ કરાવશે અને સાથે જ, ગેરહાજરી, સંભવિત ડ્રોપઆઉટ વગેરેને રોકવા માટે તમામ ખાનગી, ગ્રાન્ટેડ શાળાઓ અને સરકારી શાળાઓમાં નોંધાયેલા બાળકોની 100% ડેટા-એન્ટ્રી પણ કરશે.