ઝારખંડ - નવા વર્ષ પહેલા મુખ્યમંત્રી સોરેનની ગરીબોને ભેટ, 26 જાન્યુઆરીથી 25 રૂપિયા સસ્તુ મળશે પેટ્રોલ
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને બુધવારે રાજ્યના BPL કાર્ડ ધારકોને મોટી રાહતની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે BPL કાર્ડ ધારકો માટે પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જાણકારી અનુસાર, નવા નિર્ણય હેઠળ પેટ્રોલની કિંમતોમાં 25 રૂપિયાનો ઘટાડો થશે. આ આદેશ 26 જાન્યુઆરીથી અમલમાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઝારખંડની હેમંત સરકારને આજે એટલે કે બુધવારે બે વર્ષ પૂર્ણ કરી રહી છે. આ પ્રસંગે રાંચીના મોરહાબાદી મેદાનમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઝારખંડ સરકારે મોટરસાઇકલ અને સ્કૂટર સવારો માટે પેટ્રોલના ભાવમાં 25 રૂપિયા પ્રતિ લિટરની છૂટની જાહેરાત કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ રાજ્યના બીપીએલ કાર્ડ ધારકો આનો લાભ લઈ શકશે.
આ દરમિયાન મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે દેશમાં મોંઘવારી તેની ટોચ પર છે. મોંઘવારી હવે આકાશને સ્પર્શી રહી છે. પહેલા લોકો થેલીઓ ભરીને રાશન અને શાકભાજી લાવતા હતા, હવે પ્લાસ્ટિકની નાની થેલીઓ ભરીને લાવવાની ફરજ પડી છે. આખા દેશમાં માત્ર અમારી સરકાર જ છે, જ્યાં તે કોરોનામાં માર્યા ગયેલા લોકોના પરિવારને મદદ કરી રહી છે.