રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 18 માર્ચ 2024 (12:15 IST)

ટ્રાફિક નિયમ તોડ્યો તો ગયા સમજા, અમદાવાદના 82 જંક્શન પરના બંધ CCTV ફરી ચાલુ કરાશે

-  ટ્રાફિક નિયમના ભંગ બદલ રોજના સરેરાશ 4 હજાર ઇ-મેમો ઈશ્યૂ
- કેમેરા બંધ થઈ  જતા પોલીસ રોજના માંડ 1500 ઇમેમો ઇશ્યૂ કરતી હતી
- 82 જંક્શન પર સીસીટીવી કેમેરા ચાલુ કરવા માટે ફરીથી કરાર કરવામાં આવ્યો 

અમદાવાદમાં કુલ 212 જંકશન પરથી ટ્રાફિક નિયમના ભંગ બદલ રોજના સરેરાશ 4 હજાર ઇ-મેમો ઈશ્યૂ થતાં હતાં. જો કે કેટલાક જંકશનો પર ટેકનિકલ ખામીને કારણે કેમેરા બંધ થઈ ગયા હતા જ્યારે સિટી સર્વેલન્સ એન્ડ ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (એમઆઇટીએમએસ) સાથે કરાર પૂરો થઈ જતાં બે વર્ષથી તેના 82 જંકશન પર લગાવેલા કેમેરા બંધ હતા. જેથી પોલીસ રોજના માંડ 1500 ઇમેમો ઇશ્યૂ કરતી હતી. પરંતુ હવે આ 82 જંક્શન પર સીસીટીવી કેમેરા ચાલુ કરવા માટે ફરીથી કરાર કરવામાં આવ્યો છે.

ટૂંક સમયમાં આ 82 જંક્શન પરના કેમેરા ચાલુ થઈ જશે અને ફરી રોજના સરેરાશ 4 હજાર મેમો ઇશ્યૂ થવા માંડશે. આ 82 જંક્શન પરથી રોજ સરેરાશ 2500 મેમો ઇશ્યૂ થવાની ગણતરી છે.શહેરમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ 82 જંક્શન કાર્યરત થઈ ગયા પછી ઇમેમોની સંખ્યામાં વધારો થશે તેમ ટ્રાફિક પોલીસના સૂત્રોએ કહ્યું હતું.શહેરમાં 212 જંકશનો પર 2557 કેમેરા લગાવવામાં આવ્યા છે. જેમાં સ્માર્ટ સિટીના 130 જંકશન પર 2303 કેમેરા જ્યારે એમઆઈટીએમએસના (સિટી સર્વેલન્સ અને ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ)ના 82 જંક્શનો પર 254 કેમેરા લગાવાયા છે. જેનું ટેન્ડર એલ એન્ડ ટી કંપનીને આપવામાં આવ્યું હતુ. જો કે બે વર્ષ પહેલા આ કરાર પૂર્ણ થઈ ગયો હોવાથી આ 82 જંકશન પરના કેમેરા બંધ થઈ ગયા હતા. હવે આ કેમેરા ફરી શરૂ કરવા કરાર કરવામાં આવ્યો છે.

બીજી બાજુ સ્માર્ટ સીટીના 130 જંકશનો પરના માત્ર 45 જંકશનો પરથી ઈમેમો ઈસ્યૂ કરવામાં આવી રહ્યા છે. બાકીના 85 જંકશન પરના સીસીટીવી કેમેરાનો વાયર કપાઈ જવો, કેમેરા એન્ગલ બદલાઈ જવા, સ્ટોપ લાઈન ન દેવી સહીતની સમસ્યા હોવાના કારણે આ જંક્શનો પરથી ઈમેમો જનરેટ થતા નથી. જેથી આ 85 જંકશનો પર કોર્પોરેશન દ્વારા આ લગાવેલા કેમેરાને ચાલુ કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.