દમણમાં મધદરિયે ચીનના શીપમાં ક્રુ મેમ્બરને હાર્ટ એટેક આવ્યો, ભારતીય કોસ્ટગાર્ડે એરલિફ્ટ કરી જીવ બચાવ્યો
દમણથી 200 કિલોમીટર દૂર મધદરિયે ચીનનું એમવી ડોંગ ફેંગ કાન નામનું શીપ ભારતીય જળસીમામાંથી પસાર થઈ રહ્યું હતું
મધરાતનો સમય હોવા છતા મેડિકલ ઈમરજન્સીને ધ્યાનમાં રાખી પોરબંદર કોસ્ટગાર્ડથી ALH MK-III હેલિકોપ્ટર લોન્ચ કરાયુ
અમદાવાદઃ દમણમાં મધદરિયે ચાઈનીઝ શીપમાં એક ક્રુ મેમ્બરને હાર્ટ એટેક આવતાં ભારતીય કોસ્ટગાર્ડની ટીમે રાતના સમયે હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરીને તેનો જીવ બચાવ્યો હતો. આ રેસ્ક્યૂ ઓપરેશનમાં પોરબંદર અને દમણ કોસ્ટગાર્ડની ટીમ જોડાઈ હતી.
મેડિકલ ઈમરજન્સી માટે મદદ માગવામાં આવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે દમણથી 200 કિલોમીટર દૂર મધદરિયે ચીનનું એમવી ડોંગ ફેંગ કાન નામનું શીપ ભારતીય જળસીમામાંથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન શીપના એક ક્રુ મેમ્બરને હાર્ટઅટેક આવતા તાત્કાલીક ભારતીય કોસ્ટગાર્ડ કંટ્રોલ રૂની મદદથી મેડિકલ ઈમરજન્સી માટે મદદ માગવામાં આવી હતી. મધરાતનો સમય હોવા છતા મેડિકલ ઈમરજન્સીને ધ્યાનમાં રાખી પોરબંદર કોસ્ટગાર્ડથી ALH MK-III હેલિકોપ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ હેલિકોપ્ટર દમણથી અંદાજે 200 કિમી દૂર મધદરિયે પહોંચ્યું હતું.
જે ચાઈનીઝ ક્રુની તબિયત લથડી હતી તેને એરલિફ્ટ કરાયો
શીપ પરથી જે ચાઈનીઝ ક્રુની તબિયત લથડી હતી તેને એરલિફ્ટ કરાયો હતો.ત્યારબાદ કોસ્ટગાર્ડના ડોક્ટરોએ ચાઈનીઝ ક્રુને હેલિકોપ્ટરમાં જ પ્રાથમિક સારવાર આપીને બાદમાં દમણ કોસ્ટગાર્ડ લઈ જવામાં આવ્યો હતો. ચાઈનીઝ ક્રુને લઈ હેલિકોપ્ટર દમણ કોસ્ટગાર્ડ પહોંચે તે પહેલા દમણ કોસ્ટગાર્ડના મથક પર એમ્બ્યુલન્સ તૈયાર રખાઈ હતી. દર્દીને છાતીમાં દુખાવો અને કાર્ડિયાક અરેસ્ટના લક્ષણોની જાણ કરીને વધુ સારવાર માટે વાપી ખસેડવામાં આવ્યો હતો.