શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 17 જુલાઈ 2024 (15:38 IST)

ચાંદીપુરા વાયરસનો કહેરઃ રાજ્યમાં આઠ બાળકોના મૃત્યુ, 15 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા

virus chandipura
ગુજરાતમાં ચાંદીપુરા નામના વાયરસને કારણે 8 બાળકોના મૃત્યુ થયાં છે. રાજ્યમાં 8500થી વધુ ઘરો અને 47 હજારથી વધુ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધીમાં 15 શંકાસ્પદ કેસ નોંઘાયા છે. આ વાયરસને કારણે ગુજરાત અને દેશની આરોગ્ય એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. આ વાયરસ હવે અમદવાદ અને પંચમહાલ સુધી પહોંચ્યો છે. ગુજરાતમાં 6 જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર વ્યાપી ગયો છે. 
 
અમદાવાદ સિવિલમાંથી સેમ્પલ લઈ લેબમાં મોકલાયા
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ આવ્યો છે. સાત વર્ષના બાળકને લક્ષણો દેખાતા દાખલ કરાયો હતો. અમદાવાદ સિવિલમાંથી સેમ્પલ લઈ લેબમાં મોકલાયા છે. દહેગામના અમરાજી મુવાડા ગામનો દર્દી દાખલ થયો છે. પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મૃત્યુ નીપજ્યું હોવાની વિગતો મળી છે. ગોધરાના કોટડા ગામમાંથી શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ મળ્યો હતો. જે બાદ વડોદરામાં બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
 
અરવલ્લી અને રાજસ્થાનના બાળકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા
હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના 8 લોકોના સેમ્પલ પુણે ખાતે મોકલાયા હતા. જેમાથી ચાર બાળકોના રિપોર્ટ આવ્યા છે. આ ચાર રિપોર્ટમાંથી એક પોઝેટીવ અને ત્રણ નેગેટીવ આવ્યો છે. રિપોર્ટમાં અરવલ્લીના મોટા કંથારીયા ગામની 6 વર્ષીય બાળકીનુ ચાંદીપુરા વાઈરસથી મૃત્યુ થયુ છે. સાબરકાંઠા અરવલ્લી અને રાજસ્થાનના બાળકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 6 બાળકોના મૃત્યુ થયાં છે અને હજી બે બાળકો સારવાર હેઠળ છે. મહેસાણા જિલ્લામાં વરેઠા, ડાભલામાં આ વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાતા બાળકોને વડનગર અને અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે અને બંને બાળકોના ઘર અને આસપાસના વિસ્તારમાં સરવેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં બંને બાળકોના સેમ્પલ પુના લેબમાં મોકલાયા છે.
 
ચાંદીપુરા વાઇરસના કુલ 15 દર્દી નોંધાયા છે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાઇરસના કુલ 15 દર્દી નોંધાયા છે. જેમાં ખેડા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને રાજકોટ જિલ્લાનો સમાવેશ થાય છે. રાજસ્થાનના બે અને મધ્યપ્રદેશના એક દર્દીનો પણ સમાવેશ થાય છે. 15 દર્દીમાંથી 8 બાળકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં હાલ કેટલાક વિસ્તારમાં કોલેરાનો રોગચાળો પણ ફાટી નીકળ્યો છે તેની સામે પણ આરોગ્ય તંત્ર દ્વારા સતત હજ્જારો ઘરોમાં સર્વેલન્સ તથા નાગરિકોનું સ્ક્રીનિંગ તેમજ દવા છંટકાવની કામગીરી ચાલી રહી છે. અમદાવાદ સિવિલમાં સારવાર લઇ રહેલા દહેગામના અમરાજી મુવાડાના બાળકમાં શંકાસ્પદ લક્ષણ જણાતા સેમ્પ્ટલ તપાસ માટે મોકલાયા છે.