ગાંધીધામમાં બે દશકાથી નાગરિકતાની રાહ જોતા ૨૦૦થી વધુ પાકિસ્તાનીઓ સીએબીથી ખુશ
લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિની મોહર લાગતા નાગરિક સંશોધન બિલ દેશમાં કાયદો બની ગયો છે. આ બિલને લઈને દેશભરમાં વિવિધ મત-મતાંતરો અને વિવાદ પણ સર્જાઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ કચ્છમાં વર્ષોથી ભારતીય નાગરિકતા મળવાની રાહ જોઇ રહેલા પાકિસ્તાનથી આવેલા લોકોમાં ખુશી અને આશાનું કિરણ પેદા થયું છે. ગાંધીધામમાં મેઘવાળ સમાજના ૨૦૦થી વધુ લોકો રહે છે જેમની આંખોમાં વર્ષો બાદ ફરી ચમક અને ચહેરાપર ખુશી જોવા મળી રહી છે. સિટીઝનશિપ એમેન્ડમેન્ટ (કેબ) બિલ સંસદમાંથી પાસ થયાના સમાચાર આવ્યા ત્યારે આ સમાજના વૃદ્ધોની આંખો ભીની બનીગઇ હતી અને બાળકો ચીચીયારીઓ પાડી રહ્યા હતા. કોઇ ૧૫ તો કોઇ ૧૮ વર્ષથી ભારત દેશના નાગરિક બનવાની રાહ જોઇ રહ્યું હતું. અનેક પ્રયાસો છતાં તે શક્ય નહોતું બનતું ત્યારે હવે આ નવા કાયદાથી તેમના જીવનમાં પરિવર્તન આવશે તેવો આશાવાદ જન્મ્યો છે. જીવનરામ સોલંકી અને અશોકકુમાર સોલંકી તેમના કુંટુબીજનો સાથે ૨૦૦૪માં પાકિસ્તાનથી ભારતમાં આવ્યા હતા. પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં આવેલા હૈદરાબાદ શહેરમાં તેઓ રહી મજૂરી કામ કરી પોતાનું જીવન ગુજારતા હતા, પણ રોજેરોજ થતાં ધર્મ આધારિત ભેદભાવ અને કનડગતથી કંટાળીને અંતે ભારત આવી જવાનો નિર્ણય કર્યો અને વિઝા મેળવીને વાઘા બૉર્ડરથી દેશમાં પ્રવેશ કર્યો. શરૂઆતમાં અમદાવાદ રહ્યા અને ત્યારબાદ ગાંધીધામના સુંદરપુરીમાં નાનું ઘર ભાડે લઈને તેઓ વસ્યાં હતાં. અહીં અગાઉથી રહેતા તેમના સગાં-સબંધીઓએ શક્ય તેટલી તેમને મદદ કરી પણ છતાંય જેટલું હતું તે તમામ પાકિસ્તાનમાં મૂકીને પરિવાર સાથે ભારત આવી ગયેલા લોકો સામે નવેસરની જીવન શરૂ કરવાનો પડકાર હતો.