અમદાવાદના મણિનગરમાં BRTS બસ સળગી, કોઈ જાનહાનિ નહીં
અમદાવાદના મણિનગર વિસ્તારમાં રેલવે સ્ટેશનની સામે પાર્ક કરેલી બીઆરટીએસ બસમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. જોકે, સદનસીબે બીઆરટીએસ બસ પાર્ક કરેલી અને ખાલી હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.
આગના પગલે દોડધામ મચી ગઈ હતી.ફાયર બ્રિગેડનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે સાંજે મણિનગર રેલવે સ્ટેશન પાસે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર સીએનજી બીઆરટીએસ બસ ઊભી હતી. પાર્ક કરેલી આ બસમાં અચાનક જ કોઈ કારણોસર આગ લાગી હતી. એન્જિનના ભાગે આગ લાગી હોવાથી ધીમે ધીમે આગ આગળ ફેલાઈ રહી હતી. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લીધી હતી. બસ ખાલી હોવાથી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
આ અગાઉ અમદાવાદના મેમનગર BRTS બસ સ્ટેન્ડ પર એકાએક BRTS બસમાં આગ લાગી હતી. એન્જિનમાંથી ધુમાડો નીકળતાં જ બસ-ડ્રાઇવર દ્વારા પેસેન્જરોને બહાર કાઢવામાં આવ્યા હતા. BRTS બસ સ્ટેન્ડ પરથી પણ લોકોને દૂર કરવામાં આવ્યા હતા. ગણતરીની મિનિટોમાં બસમાં આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડની ત્રણ ગાડી ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી છે. આગ લાગી ત્યારે 25 જેટલા પેસેન્જર બીઆરટીએસ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આ બસ RTOથી મણિનગર જઈ રહી હતી.મેમનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર બીઆરટીએસ બસ બંધ પડી ગઈ હતી અને એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો, જેથી ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને બસના દરવાજા ખોલી તમામ પેસેન્જરને બહાર નીકળવા માટે કહ્યું હતું. બસમાંથી પેસેન્જર બહાર નીકળ્યા હતા અને વધુ ધુમાડો ફેલાતા અચાનક જ આગ ફાટી નીકળી હતી, જેથી બીઆરટીએસ બસ સ્ટેન્ડમાંથી પણ લોકોને સ્ટાફ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. જોતજોતામાં બસમાં આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર બ્રિગેડની ત્રણ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.