કાળાબજારીઓ પોલીસે પાથરી જાળ, ઇંજેક્શનની કાળા બજારી કરતા યુવક-યુવતીની ધરપકડ
કોરોના કાળમાં હાલ રામબાણ ગણાતા રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે ડિમાન્ડ હોવાથી તેની કાળાબજારી થઈ રહી છે. ત્યારે પાલનપુર પશ્ચિમ પોલીસે છટકું ગોઠવીને 18 હજાર રૂપિયામાં રેમડેસિવિર ઇન્જેક્શન વેંચતા યુવક -યુવતીને પકડીને તેમની પાસેથી 5 રેમડેસિવિર ઇન્જેક્શન ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
હાલ દેશ અને ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર ચાલી રહ્યો હોવાથી અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે જેના કારણે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે રામબાણ સાબિત થઈ રહેલા રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે માંગ વધી છે. જોકે સમગ્ર રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે અછત હોવાથી અનેક લોકો તેનું કાળાબજાર કરીને દર્દીઓની લાચારીનો લાભ ઉઠાવીને આ ઇન્જેકસન હજારો રૂપિયાઓમાં વેચીને તગડો નફો લઈ રહ્યા છે.
ત્યારે પાલનપુર પશ્ચિમ પોલીસને બાતમી મળી હતી કે પાલનપુર તાલુકાના યુવક -યુવતી 18 હજાર રૂપિયામાં રેમડેસિવિર ઇન્જેક્શન વેચી રહ્યા છે ત્યારે પોલીસે આરોપી યુવક -યુવતીને ઝડપી પાડવા છટકું ગોઠવી નકલી ડમી ગ્રાહક મોકલીને 18 હજાર રૂપિયામાં ઇન્જેકસ વેચવા આવેલા યુવક -યુવતીને પાલનપુરના આબુ હાઇવે ઉપર આવેલી ખાનગી હરિ કોવિડ હોસ્પિટલના નીચેથી 5 રેમડેસિવિર ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યા હતા .
જોકે રેમડેસિવિર ઇન્જેક્શન સાથે ઝડપાયેલો યુવક હર્ષદ પરમાર ખાનગી કોવિડ હોસ્પિટલમાં પ્યુન તરીકે અને ઝડપાયેલી યુવતી દીપિકા ચૌહાણ હરિ કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હોવાનું સામે આવ્યું છે જેથી આ રેકેટમાં અનેક લોકો સામેલ હોઈ તેવું પોલીસને લાગી રહ્યું હોવાથી પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે અને આરોપીઓ સામે ઇપીકો કલમ 408,420,120 (બી) તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 7 (1)એ (2) તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ 53 તથા ઔષદ અને પ્રસાધનો સામગ્રી અધિનિયમ કલમ 27 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.