ભાજપના ધારાસભ્ય તથા અધિકારીઓ હેરાન કરતાં હોવાનો આક્ષેપઃ કોંગ્રેસ અગ્રણી લાપતા થયા
પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ અગ્રણી સુસાઇડ નોટ લખીને ગુમ થઇ જતા દોડધામ મચી ગઇ છે. તેઓએ પત્નીને લખેલી આ સુસાઇડ નોટમાં શહેરાના ભાજપના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ, ઉચ્ચ અધિકારીઓ, શહેરા પોલીસ સ્ટેશનના પી.આઇ પ્રજાપતિ, મામલતદાર મેહુલ ભરવાડ અને ખનીજ વિભાગના અધિકારીઓ ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાડા ગામના કોંગ્રેસ અગ્રણી રંગીતભાઇ પગી પોતાના ઘરે સુસાઇડ નોટ મૂકીને ક્યાંક ચાલ્યા ગયા છે. આ સુસાઇડ નોટમાં ભાજપના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ સહિત અધિકારીઓના નામો હોવાથી તેમના પરિવારજનો અને ગ્રામજનો શહેર પોલીસ મથકે દોડી ગયા હતા. અને કાર્યવાહી કરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. અને ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ અને શહેરા પોલીસ સ્ટેશનના પી.આઇ.ના વિરોધમાં મહિલાઓ અને પરિવારજનોએ હાય હાયના નારા લગાવ્યા હતા. રંગીતભાઇ પહેલા ભાજપમાં હતા અને ત્યારબાદ 2012માં શહેરા બેઠક પરથી ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા અને ત્યારથી તેઓને હેરાન કરવામાં આવતા હતા. તેમની સસ્તા અનાજની દુકાન સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. અને પ્રિય જીવન સંગીનીને ઉલ્લેખીને લખેલી સુસાઇટ નોટમાં લખવામાં આવ્યું તે પ્રમાણે ભાજપના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ તેમને ખોટી રીતે હેરાન કરતા હતા.