ઓક્સિજન સિલિન્ડર પર ભાજપના નેતાનો ફોટો, સોશિયલ મીડિયા પર બન્યો ચર્ચાનો વિષય
કોરોનાના કારણે કથળતી સ્થિતિ વચ્ચે રાજકોટમાં એક આશ્વર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જોકે અહીં ભાજપના નેતા અને એક પૂર્વ ધારાસભ્યનો ફોટો દર્દીઓની સારવારમાં ઉપયોગ થનાર ઓક્સિજન સિલિન્ડર પર છપાયેલો જોવા મળ્યો છે. આ કિસ્સો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
એક અંગ્રેજી સમાચારપત્રના અહેવાલ અનુસાર ઓક્સિજન સિલિન્ડર પર છપાયેલા ફોટો ભાજપના નેતા હીરા સોલંકી છે. તેમણે કોવિડ દર્દીઓ માટે 25 બેડવાળી હોસ્પિટલ ખોલી છે. જ્યાં સિવિલ હોસ્પિટલમાંથી રિફર કરવામાં આવેલા દરદીઓની સારવાર કરવામાં આવે છે. તમને જણાવી દઇએ કે અમરેલીમાં મંગળવારે બે નવા કોવિડ સેન્ટર ખોલવામાં આવ્યા હત. આ કોવિડ સેન્ટર સાવરકુંડલા અને રાજુલામાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સંખ્યા વધતાં સોલંકી રોયલ લાઇન ક્લબને કોવિડ સેન્ટર ખોલવાની પરવાનગી જિલ્લા વહિવટીતંત્રએ આપી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પબ્લિસિટી માટે ભાજપના નેતા હીરા સોલંકીના સમર્થકોએ તેમની તસવીર ઓક્સિજન સિલિન્ડર છપાવી હતી.
હીરા સોલંકી ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં કોંગ્રેસના અમરીશ ડેરે તેમને હરાવ્યા હતા. મોટાભાગના સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કોવિડ સેન્ટર ખોલીને ભાજપના નેતાએ સારું કામ કર્યું પરંતુ સસ્તી પબ્લિસિટી માટે ઓક્સિજન સિલિન્ડર પર ફોટો યોગ્ય નથી.
તમને જણાવી દઇએ કે આ વખતે કોરોનાના 76,500 એક્ટિવ કેસ છે. જ્યારે 2,99,772 લોકો કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 5,612લોકોના મોત તહ્યા છે. તો બીજી તરફ 3,45,904 લોકો કોવિડથી રિકવર થઇ ચૂક્યા છે.