ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીને લઇ રાધનપુર અને બાયડ બેઠક પર સૌ કોઇની નજર
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીનું આજે મતદાન થઇ રહ્યું છે. ત્યારે રાજ્યની 6 બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં આજે સવારે 8 વાગ્યાથી સાંજને 6 વાગ્યા સુધીમાં મતદારો પોતાનો મત આપી શકશે. ત્યારે આ મતદાન પ્રક્રિયા માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની અમરાઈવાડી, થરાદ, રાધનપુર, ખેરાલુ, બાયડ અને લુણાવાડા સહિત 6 બેઠકોની પેટા ચૂંટણી સવારે 10 વાગ્યા સુધી 9.30 ટકા મતદાન થયું છે.
ગુજરાત વિધાનસભાની આ પેટા ચૂંટણીમાં સૌ કોઇની નજર રાધનપુર અને બાયડ બેઠક પર છે. કેમ કે, આ બંને બેઠકોના ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ વિધિવત ભાજપમાં જાડાયા અને હાલ ભાજપની ટિકિટ પરથી અહીં ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રઘુ દેસાઇ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળશે. તો બીજી તરફ બાયડ બેઠક પર પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસના ઉમેદવાર જશુભાઇ પટેલ વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યું છે.
રાધનપુર બેઠકના ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવાર પોતાની બેઠક પર મત આપી શકશે નહીં. કેમ કે, આ બંને ઉમેદવારો અમદાવાદના રહેવાસી છે અને રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. ત્યારે બંને ઉમેદવારોનું નામ રાધનપુર વિધાનસભા બેઠકની ચૂંટણી પંચની યાદીમાં નથી. તેથી રાધનપુરની જનતા પાસે આ બંને ઉમેદવારોઓ ખોબલે ભરીને મત તો માગ્યા પરંતુ ખુદ પોતે અહીં પોતાનો માટે મત આપી શકે નહીં કારણ કે બન્ને ઉમેદવારો રાધનપુરની જનતા માટે આયાતી છે. જો કે, રાધનપુર બેઠક પર ભાજપના અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રઘૂ દેસાઇ વચ્ચે સીધો જંગ ચાલી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર વિરમગામ વિધાનસભા બેઠકના એડલા ગામના મતદાર છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઇ અમદાવાદ શહેરની ઘાટલોડિયા વિધાનસભા બેઠકના મતદાર છે. તો બીજી તરફ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયેલા ઉમેદવા ધવલસિંહ ઝાલા ધરમળી વાટા ગામે મતદાન કર્યું છે. તેમણે આજે સવારે ભગવાનની પૂજા અર્ચના કરીને મતદાન કર્યું છે. તેમણે મતદાન કર્યા બાદ કહ્યું કે, આજે મતદારો નક્કી કરશે કે બાયડનું ભવિષ્ય કઇ પાર્ટીને સોંપવું તે આજે નક્કી કરશે. મને વિશ્વાસ છે કે મતદારો વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે. મને ઘણાં બધા મતોથી જીતવાની આશા છે.