રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , શનિવાર, 29 ફેબ્રુઆરી 2020 (10:48 IST)

અમદાવાદમાં ત્રણ દિવસના બિહાર મહોત્સવનો પ્રારંભ

આ ભવ્ય સમારંભનો ઉદ્દેશ બિહારની સમૃધ્ધ સંસ્કૃતિ અને વારસો દર્શાવવાનો છે

ત્રણ દિવસના બિહાર મહોત્સવનો અમદાવાદમાં શુક્રવારે પ્રારંભ થયો છે. બિહાર સરકાર દ્વારા આયોજીત આ સાંસ્કૃતિક સમારંભનો ઉદ્દેશ બિહારની કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. સમારંભમાં 1 માર્ચ સુધી  બિહારી ભોજન અને સંસ્કૃતિ ઉપરાંત  વિવિધ કાર્યક્રમો રજૂ થશે.
બિહારના કલા, સંસ્કૃતિ અને યુવા બાબતોના પ્રધાન પ્રમોદ કુમારે ટાગોર હૉલ ખાતે  સાંજે 6-30 કલાકે બિહાર મહોત્સવનુ ઉદ્ઘાટન  કર્યુ ત્યારે ગુજરાતના રમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના પ્રધાન ઈશ્વરસિંહ પટેલ હાજર રહ્યા હતા.
 
આ પ્રસંગે પ્રમોદ કુમારે જણાવ્યું હતું કે  “બિહાર અને ગુજરાત બંને સમૃધ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે.  અમદાવાદ અને રાજ્યના અન્ય ભાગોમાં  બિહારનો લોકો મોટી સંખ્યામાં વસે છે. બિહાર મહોત્સવ યોજવાનો ઉદ્દેશ અહીં વસતા બિહારીઓને બિહારના જીવન સાથે જોડવાનો અને ગુજરાતના લોકો સમક્ષ બિહારની સમૃધ્ધ સંસ્કૃતિ અને વારસો દર્શાવવાનો છે. આ મહોત્સવ મારફતે બિહાર અને ગુજરાત ના કાર્યક્રમો રજૂ કરીને અમે બંને રાજ્યોના કલા અને સંસકૃતિનો સમન્વય કરવા માગીએ છીએ.”
બિહાર સરકારના કલા, સંસ્કૃતિ અને યુવા વિભાગના અગ્ર સચિવ રવિ પરમાર જણાવ્યું હતું કે ગુજરાત મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે, જ્યારે બિહાર ગાંધીજીની કર્મભૂમિ હતી.
 
તેમને વધુમાં જણાવ્યું હતું કે “બિહાર અને ગુજરાત વચ્ચ ઘણી સદીઓથી મજબૂત નાતો છે. બિહાર મહોત્સવનો ઉદ્દેશ સાંસ્કૃતિક વિનિમય વડે આ સંબંધોને વધુ મજબૂત કરવાનો છે”
 
આ મહોત્સવમાં બિહારની હસ્તકલા અને વિવિધ પરંપરાગત ચિજો વેચતા સ્ટોલ ઉભા કરાયા છે. આ ઉપરાંત રાજ્યની અધિકૃત વાનગીઓ રજૂ કરતા સ્ટોલ પણ છે. ત્રણ દિવસના આ મહોત્સવની વધુ એક વિશેષતા એ છે કે તેમાં  વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ થશે.
બિહાર મહોત્સવના પ્રથમ દિવસે જે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થવાના છે તેમાં સુમિત નાગદેવ ડાન્સ એકેડેમી  ‘સિધ્ધાર્થ સે બુધ્ધ તક’ કાર્યક્રમમાં નૃત્ય નાટીકા રજૂ કરશે. આ કાર્યક્રમમાં ભગવાન બુધ્ધની એક રાજકુમારમાંથી બૌધ્ધ સાધુ બનવાની કથા આલેખાયેલી છે. આ ઉપરાંત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના કલાકારો ‘પહેલા સત્યાગ્રહી’ નામનુ નાટક રજૂ કરશે. આ નાટકમાં મહાત્મા ગાધીજીના જીવનને આલેખાયુ છે.
 
મહોત્સવના બીજા દિવસે કુમુદ જહા દિવાનનુ ઠુમરી સંગીત રજૂ થશે. આ ઉપરાંત  નિર્માણ કલા મંચ તરફથી “વિદેસિયા” નાટક, તથા સત્યેન્દ્ર કુમાર સંગીત લોક ગાયકી રજૂ કરશે.
 
બિહાર મહોત્સવના ત્રીજા અને આખરી દિવસે 1 માર્ચના રોજ મૈથીલી કુમારનાં ગીતો ની રજૂઆત ‘રિધમ ઓફ બિહાર’ના નામે રજૂ થશે. આ ઉપરાંત પ્રિયંકા કુમારી ગીતો રજૂ કરશે.
 
 
સાંસ્કૃતિક મહોત્સવના ભાગ તરીકે  મહોત્સવના ત્રણેય દિવસે ગુજરાતી ભાષામાં પણ કાર્યક્રમો રજૂ થશે.